તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
ભાવનગરથી દિલ્હી રૂટના મુસાફરો માટે ખુશખબર: નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ
29 મેથી ભાવનગર-શકૂર બસ્તી સ્પેશિયલ ટ્રેન દોડશે, 23 સ્ટેશન પર મળશે સ્ટોપેજ

રાજકોટ: મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર મંડળના યાત્રીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ રેલ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આગામી 29 મે, શુક્રવારથી ભાવનગર અને શકૂર બસ્તી વચ્ચે નવી સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા શરૂ થશે.
આ વિશેષ ટ્રેન ભાવનગરથી 29 મે થી 26 જૂન સુધી દર શુક્રવારે દોડશે, જ્યારે શકૂર બસ્તીથી 30 મે થી 27 જૂન સુધી દર શનિવારે સેવા ઉપલબ્ધ રહેશે.
સમયપત્રક મુજબ ભાવનગર ટર્મિનસથી ટ્રેન દર શુક્રવારે બપોરે 2:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 10:55 વાગ્યે શકૂર બસ્તી પહોંચશે. બીજી તરફ શકૂર બસ્તીથી ટ્રેન દર શનિવારે બપોરે 1:15 વાગ્યે ઉપડશે અને રવિવારે સવારે 8:50 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
મુસાફરોની સુવિધા માટે ટ્રેનને બંને દિશામાં કુલ 23 સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવ્યો છે. જેમાં ભાવનગર પરા, સિહોર, બોટાદ, ધોળકા, મહેસાણા, પાલનપુર, અજમેર, રેવાડી અને દિલ્હી કેન્ટ જેવા મહત્વના સ્ટેશનોનો સમાવેશ થાય છે.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, આ ટ્રેન માટે ટિકિટ બુકિંગ 17 મેથી શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરો યાત્રી આરક્ષણ કેન્દ્ર તેમજ IRCTC મારફતે પોતાની ટિકિટ બુક કરાવી શકશે. નવી ટ્રેન સેવા મુસાફરોની ભીડ ઘટાડવામાં અને મુસાફરીને વધુ સરળ બનાવવામાં મદદરૂપ બનશે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
