<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

વિસાવદર-ભેસાણ વિસ્‍તારમાં ગોપાલ ઈટાલીયાનો જાદુ યથાવતઃ ‘આપ'નો દબદબો

ભેંસાણ તાલુકા પંચાયતમાં ‘આપ'ના ૧૬ માંથી ૧૩ સભ્‍યો ચુંટાયા પણ નથી પ્રમુખ ‘ભાજપ'ના બનશે

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૯: સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમાં ધારાસભ્‍ય ગોપાલ ઈટાલીયાનો જાદુ યથાવત રહ્યો છે. વિસાવદર-ભેસાણ બન્ને તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીનો જ્‍વલંત વિજય થયો છે.

આ વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય ભાજપના ઉમેદવાર ભુપતભાઈ ભાયાણીનો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થયો છે.

જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયાનાં ધર્મપત્‍ની કૈલાસબેનનો ભાજપના ઉમેદવાર લિનાબેન વિપુલભાઈ કાવાણી સામે માત્ર ૫૩ મતે પરાજય થયો છે.

વિસાવદરની જિલ્લા પંચાયતની મોટી મોણપરીની બેઠક પર ડો.ભરત ઝાલાવાડીયા અને કાલસારીની બેઠક પર ભાજપના ઉમેદવાર વાસુદેવભાઇ નિમાવત (કનૈયાબાપુ)નો પરાજય થયો છે.

સરસઈની બેઠક પર ચૂંટાયેલા લીનાબેન વિપુલભાઈ કાવાણીનો જિલ્લા પંચાયતનાં પ્રમુખ બનવા માટેના ઉજળા સંજોગો હોવાની વ્‍યાપક રાજકીય ચર્ચા છે.

વિસાવદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને સ્‍પષ્ટ બહુમતી મળી છે ત્‍યારે પ્રમુખપદે કોણ..? તે અંગે પણ અવનવી અટકળો થઈ રહી છે.

ભેંસાણ તા.પં.ની ૧૬ બેઠકમાં આપને ૧૩ મળી પરંતુ પ્રમુખ ભાજપના બની શકે તેવો રાજકીય ઘાટ સર્જાયો છે. પ્રમુખ પદએ એસી માટે અનામત છે. આમ આદમી પાર્ટીના ૧૩ સભ્‍યો ચુંટાયા છે પણ તેમાથી એક પણ ઉમેદવાર એસસી  નથી. રાણપુર-૨ના ભાજપના દાનાભાઈ મકવાણાની જીત થઈ છે તેમની સામે ‘આપ'ના અશોકભાઈ ચૌહાણની હાર થઈ છે. આમ ફરજીયાત ભાજપના ઉમેદવાર પ્રમુખપદે ચૂંટાઈ તેવાં સંજોગો ઉભા થયા છે.

(12:28 PM IST)