તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
સરકાર આંદોલનને જેમ દબાવશે, તેમ ડબલ તાકાતથી આગળ વધશે : વીજલાઈન વળતરના વિરોધમાં મોરબીમાં ખેડૂતોની વિશાળ પદયાત્રા : મનોજ પનારાની તીખી પ્રતિક્રિયા : જુઓ વિડીયો
મોરબી જિલ્લાની ૩૫૦ ગ્રામ પંચાયતોના સમર્થન સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી અપાયું અલ્ટીમેટમ : કેન્દ્રના કાયદા મુજબ ૪ ગણા વળતરની માંગ સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતોને એકત્રિત થવા હાકલ

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: ખેડૂતો દ્વારા વીજલાઈન વળતરના વર્તમાન પરિપત્રના વિરોધમાં આજે મોરબી ખાતે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા બાદ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ગંભીર મામલે પાટીદાર યુવા સેવા સંઘના અગ્રણી મનોજ પનારાએ સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, શાસન દ્વારા આ આંદોલનને જેમ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, તેમ આ લોક આંદોલન ડબલ તાકાત અને જોશ સાથે આગળ વધશે. ખેડૂતો પોતાની ન્યાયી માંગણીઓથી સહેજ પણ પાછળ હટશે નહીં.
૪ ગણા વળતર સિવાય અદાણી-અંબાણીને થાંભલા ખોડવા દેવાશે નહીં:
ખેડૂતો વતી આક્રોશ વ્યક્ત કરતા મનોજ પનારાએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો વર્તમાન પરિપત્ર ખેડૂતોને કોઈ પણ કાળે મંજૂર નથી. સરકાર દ્વારા પ્રસ્તાવિત કરાયેલું માત્ર બે ગણું વળતર ખેડૂતો ક્યારેય સ્વીકારશે નહીં. કેન્દ્ર સરકારના પ્રવર્તમાન કાયદા અનુસાર ખેડૂતોને તેમની કિંમતી જમીનનું ફરજિયાત ૪ ગણું વળતર જ મળવું જોઈએ. જો અન્નદાતાઓની આ ન્યાયી અને કાયદેસરની માંગ પૂરી કરવામાં નહીં આવે, તો અદાણી કે અંબાણી જેવી મોટી ખાનગી કંપનીઓને ખેડૂતો પોતાના ખેતરોમાં કોઈ પણ સંજોગોમાં વીજલાઈનના થાંભલા ખોડવા દેશે નહીં. આ લડતને મજબૂત ટેકો આપવા માટે મોરબી જિલ્લાની ૩૫૦ જેટલી ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓના સત્તાવાર લેટરો સાથે કલેક્ટરને આવેદન સોંપી તાત્કાલિક નિર્ણય લેવા અલ્ટીમેટમ અપાયું છે.
અગ્રણીઓને ધમકાવવા ગૌશાળાઓમાં નોટિસો અને ધંધા પર રેડના આક્ષેપો:
સરકાર અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા આંદોલનકારીઓએ જણાવ્યું કે, છેલ્લા ૫ દિવસથી આ ન્યાયી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત અગ્રણીઓને દબાવવા અને ધમકાવવાના હીન પ્રયાસો થઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અગ્રણીઓની ગૌશાળાઓમાં કાયદાકીય નોટિસો મોકલવામાં આવી રહી છે અને તેમના ખાનગી કામ-ધંધા પર રેડ પાડીને વેરભાવપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા છે. મનોજ પનારાએ ઇતિહાસનો હવાલો આપતા કહ્યું કે, શાસકો જાણી લે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવા છતાં દેશની ક્રાંતિ અટકી નહોતી. તમે વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને એક ખેડૂતને હેરાન કરશો તો તેની સામે ૧,૦૦૦ ઉભા થશે અને ૧,૦૦૦ને દબાવશો તો લાખો ખેડૂતો રસ્તા પર ઉતરી આવશે, પરંતુ ગુજરાતનો ખેડૂત તમારી આવી તાનાશાહી ક્યારેય સ્વીકારશે નહીં.
સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા મથકોએ આવેદન પત્ર આપવા અપીલ:
મોરબીની ધરતી પરથી શરૂ થયેલા આ જનઆક્રોશને હવે આગામી દિવસોમાં વધુ વ્યાપક બનાવવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. મનોજ પનારાએ મોરબીથી સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને ખુલ્લી અપીલ કરી છે કે, તેઓ પણ પોતાના હિતની રક્ષા માટે પોતપોતાના તાલુકા અને જિલ્લા મથકોએ હજારોની સંખ્યામાં એકત્રિત થાય. ખેડૂતોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે, વહીવટી તંત્ર સામે યોગ્ય પ્લાનિંગ સાથે આવેદન પત્ર આપીને શક્તિ પ્રદર્શન કરવામાં આવે અને ૪ ગણા વળતરની માંગણી સિવાય સરકારની કોઈ પણ અન્ય લોભામણી વાત કે મધ્યસ્થી સ્વીકારવામાં નહીં આવે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
