<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

વિરોધથી ડરી ગયેલી સરકારનું હાસ્યાસ્પદ જાહેરનામું: ખાલીખમ સાની ડેમમાં યોજાનાર 'દુષ્કાળગ્રસ્ત ક્રિકેટ કપ' રદ કરાવવા મથામણ

​દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને સૌની યોજનાથી ડેમ ભરવાની માંગ સાથે કોંગ્રેસે રચેલા અનોખા વિરોધ પ્રદર્શનથી શાસકોમાં ફફડાટ; ૧૦૯ ટીમોના રજિસ્ટ્રેશનથી ભાજપનું બ્લડપ્રેશર વધ્યું

​(કૌશલ સવજાણી) દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની વાજબી માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત અનોખી "દુષ્કાળગ્રસ્ત ક્રિકેટ કપ" ટુર્નામેન્ટથી રાજ્ય સરકાર ફફડી ઉઠી છે. ખાલીખમ સાની ડેમના પટમાં આજથી શરૂ થનારી આ સ્પર્ધાને અટકાવવા માટે સરકારે એક અત્યંત હાસ્યાસ્પદ જાહેરનામું બહાર પાડીને પોતાના ડરનું પ્રદર્શન કર્યું છે.
​દ્વારકા જિલ્લા સહિત જામનગર, કચ્છ અને પોરબંદર પંથકમાં વરસાદની ભારે ખેંચને કારણે સ્થિતિ વિકટ બની છે. સાની ડેમ સહિતના તમામ જળાશયો તળિયાઝાટક છે. આવા સમયે ખેડૂતો અને જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે ખાલી ડેમમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું હતું. આ અનોખા આંદોલનને લોકસમર્થન મળતા જ બિનરાજકીય ક્ષેત્રે પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જોતજોતામાં ૧૦૯ જેટલી ટીમોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું.
​૧૦૯ ટીમોનું રજિસ્ટ્રેશન અને જનતાનો આક્રોશ જોઈને ગભરાઈ ગયેલી સરકારે ટુર્નામેન્ટ અટકાવવા માટે એવું જાહેરનામું બહાર પાડ્યું કે "ડેમોમાં ન્હાવા જવાથી કોઈ ડૂબી ન જાય તે માટે પ્રવેશબંધી છે!" હવે સ્થિતિ એ છે કે દ્વારકા જિલ્લાના તમામ ડેમો એકદમ ખાલીખમ છે, જ્યાં પાણીનું એક બુંદ નથી ત્યાં માણસ ન્હાવા કેવી રીતે જાય અને ડૂબે પણ કેવી રીતે? સરકારનું આ જાહેરનામું લોકમુખે હાસ્યાસ્પદ બની ગયું છે.
​આ મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા કાગળ પર જાહેરનામા બહાર પાડવાનું બંધ કરે અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપે.
​કોંગ્રેસની મુખ્ય માંગણીઓ:
​દુષ્કાળની જાહેરાત: દ્વારકા, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
​સૌની યોજનાથી ડેમ ભરો: કોરા ધાકોર પડેલા ડેમોને સૌની યોજના મારફતે તાકીદે ભરીને પીવાના અને પિયત પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
​ઘાસચારા કેન્દ્રો: માલધારીઓ અને પશુઓના રક્ષણ માટે તાત્કાલિક ધોરણે વિનામૂલ્યે ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરાય.
​પાક ધિરાણ માફી: કુદરતી આફત અને દુષ્કાળની સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
​સરકારના આ અણઘડ વહીવટ અને પલાયનવાદી નીતિ સામે સ્થાનિક ખેડૂતો અને જનતામાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે.
​

(12:40 PM IST)