<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ભાવનગરમાં ૫૫૭મી શ્રી ગુરુનાનક દેવજીના પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી

પ્રભાત ફેરી, ભવ્ય નગર કીર્તન યાત્રા, લંગર પ્રસાદ, રક્તદાન અને થેલેસેમિયા કેમ્પ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગર શહેરના રસાલા કેમ્પ અને સિંધુનગર સ્થિત ગુરુદ્વારાઓમાં શીખ ધર્મના પ્રથમ ગુરુ શ્રી ગુરુનાનક દેવજીના ૫૫૭મા પ્રકાશ પર્વની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે પ્રભાત ફેરી, અખંડ પાઠ, લંગર પ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ભવ્ય નગર કીર્તન યાત્રા સહિતના વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંધી સમાજ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ધારાસભ્ય શ્રીમતી સેજલબેન રાજીવકુમાર પંડ્યાની ગ્રાન્ટમાંથી થેલેસેમિયા જાગૃતિ અને તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુનાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે વેપારીઓ દ્વારા પોતાની દુકાનો અને ધંધા બંધ રાખી સેવા કાર્યોમાં જોડાવાની પરંપરાને જાળવી રાખવામાં આવી હતી. લંગર પ્રસાદમાં હજારો લોકોએ ગુરુનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે આયોજિત ભવ્ય નગર કીર્તન યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ જૂના ગુરુદ્વારા ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ તમામ આયોજનોમાં વિવિધ સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી ગુરુનાનક દેવજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.ગુરુનાનક દેવજીનો પ્રેમ, સમાનતા, માનવતા અને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ સમાજને હંમેશાં પ્રેરણા આપતો રહે છે. તેમ સિન્ધુ સેના ના પ્રદેશાધ્યક્ષ કમલેશભાઈ ચંદાની માહિતી આપી હતી

(6:39 PM IST)