<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

જામનગરમાં આગામી ૧૫ નવેમ્બરે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી : જામજોધપુર ખાતે જિલ્લા કક્ષાનો અને ટાઉનહોલ ખાતે શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાશે

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે લાલપુર ચોકડી પાસે રૂ. ૬.૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે : જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ પત્રકાર પરિષદમાં આપી વિસ્તૃત વિગતો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેઓના અનન્ય યોગદાનને જન-જન સુધી ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧૫ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં આદિજાતિ સમુદાયને સમાન ભાગીદાર બનાવવાના લક્ષ્ય સાથે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા. ૧૧ થી ૧૮ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન 'જનજાતીય ગૌરવ સપ્તાહ' ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં થનાર વિશેષ આયોજન અંગે જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા અને શહેર કક્ષાના કાર્યક્રમો તથા છાત્રાલયનું ખાતમુહૂર્ત:
પત્રકાર પરિષદમાં માહિતી આપતા જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જામનગર જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી જામજોધપુર પટેલ સમાજ ખાતે કરવામાં આવશે, જ્યારે શહેર કક્ષાનો મુખ્ય કાર્યક્રમ જામનગરના ટાઉનહોલ ખાતે યોજાશે. આ પાવન અવસરે જામનગરમાં લાલપુર ચોકડીની બાજુમાં આવેલા કુબેરનગર-૩ સોસાયટી વિસ્તારમાં રૂ. ૬.૩૩ કરોડના ખર્ચે તૈયાર થનાર સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષમાં મહત્વનું સાબિત થશે.

૫ વર્ષમાં ૫૮ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૩૫૭૯ લાખથી વધુની સહાય:
સરકારી યોજનાઓની સફળતા અંગે વિગતો આપતા જણાવાયું હતું કે, જામનગર જિલ્લામાં છેલ્લા ૫ વર્ષ દરમિયાન અનુસૂચિત આદિજાતિના કુલ ૫૮,૧૩૧ લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત રૂ. ૩૫૭૯.૬૬ લાખના સીધા લાભો એનાયત કરવામાં આવ્યા છે. આગામી ૧૫ નવેમ્બરના રોજ યોજાનાર જિલ્લા અને શહેર કક્ષાના બંને કાર્યક્રમોમાં પણ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવશે.

નવી પેઢી સુધી શૌર્યગાથા પહોંચાડવાનો હેતુ:
કલેકટર પી.બી. પંડ્યાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલું બલિદાન અને જનજાતીય મહાનાયકોની શૌર્યગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. આ ઉપરાંત સમાજના અધિકારોનું રક્ષણ, સામાજિક જાગૃતિ અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આ સપ્તાહ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીમાં આદિવાસી સમાજના નાગરિકો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનોને ઉત્સાહભેર જોડાવા અપીલ કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:40 PM IST)