<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

સૌરાષ્ટ્રના જગપ્રસિદ્ધ હાથલા શ્રી શનિદેવ મંદિરે શનિદેવ જયંતિની ભવ્ય ઉજવણી : એક-એક કિ.મી.ની ભક્તજનોની લાઈનો : ભાવિકો ભક્તિના રંગે રંગાયા

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ડાયરામાં આજે રાત્રિના રાજભા ગઢવી-ભૂમિબેન આહીર જમાવટ કરશે : સાંસદ પૂનમબેન માડમ સહિત હજારો ભાવિકો ઉમટશે : વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વ્યવસ્થા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જગપ્રસિદ્ધ હાથલા શ્રી શનિદેવ મંદિરે શનિદેવ મહારાજની જન્મ જયંતિની અત્યંત ભવ્યતા અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. 

          મંદિર પરિસરને આસોપાલવના તોરણ અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શનિદેવના દર્શનાર્થે ભાવિકોની એક-એક કિલોમીટરની લાંબી કતારો લાગી હતી. તેલ અભિષેક, દર્શન અને પૂજા-અર્ચના સાથે આખો દિવસ ભક્તિમય માહોલ રહ્યો હતો. 

              શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય 'લોક ડાયરા'નું આયોજન કરવામાં આવ્યું છે.આજે શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે હાથલા સ્થિત શ્રી શનિદેવ મંદિરના પટાંગણમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

               જન્મ જયંતિની ઉજવણીને વધુ ભક્તિમય બનાવવા માટે આ ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રખ્યાત લોક સાહિત્યકાર રાજભા ગઢવી પોતાની આગવી શૈલીમાં શનિદેવ મહારાજના મહિમાની વાતો, સંતવાણી અને લોકસાહિત્યના રસથાળ રેલાવશે. તેમની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા ભૂમિબેન આહીર શનિદેવના ભજન અને લોકગીતોની રમઝટ બોલાવીને વાતાવરણને ભક્તિના રંગે રંગી દેશે.

           આ પ્રસંગે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, 81-ખંભાળીયા-ભાણવડના ધારાસભ્ય મુળુભાઈ બેરા, 82-દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક સહિતના ઉપસ્થિત રહેશે.

         શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા  ડાયરામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. આયોજકો દ્વારા સૌ ભાવિકોને લોકડાયરાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(9:32 AM IST)