<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જામનગરમાં "ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ" અંતર્ગત પુરોહિત સ્કૂલ ખાતે ભવ્ય સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

વાલી જાગૃતિ દિવસ અન્વયે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવા મહત્વનું માર્ગદર્શન અપાયું : ૧૦૦ જેટલાં માહિતીસભર પેમ્ફલેટ્સનું કરાયું વિતરણ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: રાજ્યમાં વધતા જતા ડિજિટલ અને ઓનલાઈન ગુનાઓને અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર સી.આઈ.ડી. (ક્રાઇમ અને રેલ્વેઝ) ના પોલીસ મહાનિર્દેશક તરફથી સમગ્ર રાજ્યમાં "Operation SURAKSHIT CYBER SPACE" નામે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવના ભાગરૂપે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ જામનગરના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આજે તારીખ ૦૪/૦૭/૨૦૨૬ ના રોજ શહેરની "પુરોહિત સ્કૂલ" ખાતે એક વિશેષ સાયબર જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

She-Team ને બ્રીફ કરી વાલીઓ-વિધ્યાર્થીઓને માહિતગાર કરાયા

આ વિશિષ્ટ ડ્રાઈવ અંતર્ગત સાયબર ગુનાઓ અટકાવવા બાબતે સૌપ્રથમ 'She-Team' ને જરૂરી સૂચનાઓ આપી બ્રીફ કરવામાં આવી હતી. ત્યારબાદ પુરોહિત સ્કૂલ ખાતે આયોજિત 'વાલી જાગૃતિ દિવસ' ના વિશેષ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ ત્યાં ઉપસ્થિત તમામ વાલીઓને સાયબર સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ. એ. ઘાસુરાની સીધી આગેવાની હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરાયું હતું.

વિવિધ પ્રકારના ડિજિટલ ફ્રોડ અને ઓનલાઈન સુરક્ષા અંગે અપાઈ ટિપ્સ

આ સેમિનાર દરમિયાન ટ્રેનર્સ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થિનીઓને વર્તમાન સમયમાં ડિજિટલ દુનિયામાં થતી વિવિધ પ્રકારની અદ્યતન છેતરપિંડીઓ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે:

  વીશીંગ કોલ અને ફીશીંગ કોલ દ્વારા થતી છેતરપિંડી

  લોભામણી દેખાતી ફેક શોપિંગ વેબસાઇટ્સ

  ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ

  વધુ વળતરની લાલચ આપતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટાસ્ક ફ્રોડ

  ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા મ્યુલ અકાઉન્ટ્સ

આ તમામ સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તે અંગે નાગરિકોને વાકેફ કરવામાં આવ્યા હતા અને ઓનલાઈન સુરક્ષા જાળવી રાખવા માટેની ખાસ ટેકનિકલ ટિપ્સ આપવામાં આવી હતી. આ સાથે જ જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર અવેરનેસ અંગેના ૧૦0 જેટલાં પેમ્ફલેટ્સનું પણ ત્યાં હાજર લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

કુલદીપસિંહ જાડેજા અને પૂજાબેન ધોળકિયા દ્વારા અપાયું ડિજિટલ પ્રેઝન્ટેશન

શાળાના હોલ ખાતે આયોજિત આ સેમિનારમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ પૂજાબેન ધોળકિયા દ્વારા આધુનિક પ્રોજેક્ટર અને સ્લાઈડ્સના માધ્યમથી ખૂબ જ સરળ શૈલીમાં રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીના યુગમાં બાળકો અને વાલીઓ સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી રાખવી તે અંગે બંને કર્મચારીઓએ વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં, કોઈ પણ સાયબર આર્થિક ગુનો બને ત્યારે તાત્કાલિક ધોરણે હેલ્પલાઈન નંબર ૦૨૮૮-૨૬૬૬૬૧૦, ૬૩૫૯૬૨૯૩૪૩ અથવા સત્તાવાર ઈમેલ આઈડી [email protected] પર સંપર્ક કરવા માટે પણ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

(10:12 PM IST)