News of Saturday, 20th June 2026
કેશોદના ગળોદર ગામે રાજગોર બ્રાહ્મણ સમાજવાડીનું ભવ્ય ખાતમુહૂર્ત: મહંત નીલકંઠચરણદાસજી સ્વામીએ આપ્યા વ્યસનમુક્તિના સંદેશ, "રોજના વ્યસનના પૈસા સમાજવાડી માટે વાપરો તો 1 વર્ષમાં બની જશે ભવ્ય મંદિર"
જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદીના મહંત, ચલાળાના રતી બાપા અને હરિઓમ વૃદ્ધાશ્રમના કાળુબાપા જોશી ઉપસ્થિત; ભૂમિપૂજન બાદ સ્વામીશ્રીએ ગામને આપ્યો વ્યસન છોડીને સમાજ નિર્માણમાં જોડાવાનો મંત્ર

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ : કેશોદ તાલુકાના ગળોદર ગામે શ્રી રાજગોર બ્રાહ્મણ સમાજવાડીના નિર્માણ માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનના મહંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા.
કાર્યક્રમમાં ચલાળા ગાયત્રી પરિવારથી પધારેલા પરમ પૂજ્ય રતી બાપા અને જેતપુર હરિઓમ વૃદ્ધાશ્રમના સંચાલક પૂજ્ય કાળુબાપા જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નીલકંઠચરણદાસજી સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ વિધિમાં રતી બાપા, કાળુબાપા અને સમાજના આગેવાનો પણ જોડાયા હતા.
ખાતમુહૂર્ત બાદ સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું કે, "ગળોદર ગામના લોકો જો રોજ વ્યસનમાં વાપરતા પૈસા બચાવીને સમાજવાડીના નિર્માણમાં વાપરે, તો માત્ર એક વર્ષમાં જ અહીં સુંદર અને આકર્ષક સમાજવાડી તૈયાર થઈ જાય એમ છે."
સ્વામીશ્રીએ ટકોર કરતા ઉમેર્યું, "તમે મારી વાત માનશો એની મને ખાતરી નથી, છતાં મારી ફરજ છે કે તમને યોગ્ય માર્ગ બતાવું. વ્યસનથી માત્ર પૈસા જ નહીં, પરિવાર અને સમાજ બધું બરબાદ થાય છે. જો સમાજના લોકો વ્યસનમુક્ત બને તો પોતાના પરિવાર સાથે આખો સમાજ સુખી થાય."
તેમણે કહ્યું કે આ વાત માત્ર ગળોદર ગામ પૂરતી નથી, પરંતુ દરેક ગામ અને દરેક સમાજ માટે પ્રેરણાદાયી છે. "બીજા કરે કે ન કરે, પણ આપણે આપણી જાતને સમજાવીને વ્યસનમુક્ત થવાનો આદર કરીએ" એવો અનુરોધ તેમણે કર્યો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ સંતો અને આગેવાનોએ સમાજવાડીના નિર્માણ માટે ગામજનોને સહયોગ આપવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહના વાતાવરણમાં સંપન્ન થયો હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
