<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તંત્રની ઘોર બેદરકારી: ભુજમાં બુથ શોધતા હેરાન થયા મતદારો, લખપતમાં 70થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગાયબ

વોર્ડ 4-8માં સીમાંકનના ફેરફારથી અવ્યવસ્થા, વૃદ્ધ હાર્ટ પેશન્ટ મતદાર ઝોનલ અધિકારી સમક્ષ ફરિયાદ કરવા મજબૂર; મેઘપર બુથ પર યાદીમાં નામ ન હોવાથી મતદારોને વગર મતદાને પરત ફરવું પડ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. ભુજ શહેરથી લઈ લખપત તાલુકા સુધી મતદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ભુજમાં બુથ શોધવાની હેરાનગતિ

ભુજ શહેરમાં મતદારોને પોતાના મતદાન બુથ શોધવામાં ભારે હાલાકી પડી છે. ખાસ કરીને વોર્ડ નંબર 4 અને 8 ના મતદારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સીમાંકનમાં થયેલા ફેરફારોને કારણે અવ્યવસ્થા સર્જાઈ હોવાનું તંત્રનું કહેવું છે. પૂરતી માર્ગદર્શિકાના અભાવે મતદારો એક બુથથી બીજા બુથ સુધી ભટકતા રહ્યા હતા. 

 

વૃદ્ધ મતદારની વ્યથા

 

ભુજના ગણેશનગરમાં આવેલી શાળા નંબર 17માં એક વૃદ્ધ મતદારે કંટાળીને ચૂંટણી ઝોનલ અધિકારીને રજૂઆત કરી હતી. વૃદ્ધે જણાવ્યું કે, "લોકસભા, વિધાનસભા મતદાન કરી ચુક્યો છું પરંતુ આવી અવ્યવસ્થા ક્યારે જોઈ નથી. હું હાર્ટ પેશન્ટ છું, સવારથી હેરાન થઇ રહ્યો છું તેમ છતાં મને મારું મતદાન મથક મળતું નથી. ચૂંટણી સમયે આવી ગંભીર બેદરકારી ન ચાલે." નામ યાદીમાં હોવા છતાં બુથની માહિતી ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

 

લખપતમાં 70થી વધુ મતદારો વંચિત

 

લખપત તાલુકાના મેઘપર બુથ પર ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. જુણાચાય ગામના 70થી વધારે મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હતા. જેના કારણે બુથ પરથી ઘણા મતદારોને વગર મતદાને પરત ફરવું પડ્યું હતું. તંત્ર SIRની કામગીરીમાં ભૂલ બતાવી રહ્યું છે, જ્યારે દયાપર મામલતદાર ઓફિસથી SIRની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થયાનું જણાવાઈ રહ્યું છે. 

ક્યા અધિકારીની ભૂલ કે રાજકારણની રમતને કારણે મતદારોને મતદાન કર્યા વગર ઘરે પરત ફરવું પડ્યું, એ મોટો સવાલ છે. ચૂંટણીના દિવસે આવી ગડબડ સામે આવતા કચ્છ વહીવટી તંત્ર પર અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

(3:03 PM IST)