<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

પોરબંદરના ગેંગ લીડર રમેશ છેલાણીની મીલકતો ઉપર તંત્રની તવાઈઃ ૮૪.૨૮ લાખનો દંડ ફટકાર્યો

પત્‍નીને બોગસ ખાતેદાર ખેડૂત બનાવીને ખરીદેલી સાડા ત્રેવીસ વિઘા જમીન સરકાર દ્વારા જપ્‍તઃ ‘ગુજરાત ટોક'ના ગુન્‍હાની તપાસમાં ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ચીકાસા અને ટુકડા (ગોસા)માં જમીનો ખરીદ કર્યાનું ખુલ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૭: કુખ્‍યાત ગેન્‍ગ લીડર રમેશ ભીખાભાઇ છેલાણીની મીલકતો અને પરિવારજનોના નામે વસાવેલી સંપતિની ઉંડાણપૂર્વક તપાસ દરમ્‍યાન રમેશ છેલાણીની પત્‍ની રૂપીબેનને ખાતેદાર ખેડૂત ન હોવા છતાં ખેડૂત તરીકે દર્શાવી જમીનો ખરીદી હોવાનું સામે આવતા આ સંબંધે તંગ દ્વારા વર્તમાન જંગીના ૩ ગાલા લેબે ૮૪,૨૮,૩૧૪નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

ગેંગ લીડર રમેશ ભીખાભાઈ છેલાણીએ પોતાની પત્‍નીને બોગસ ખાતેદાર ખેડૂત બનાવી તેના નામે જમીન ખરીદી હોવાનો ખુલાસો થતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ટુકડા (ગોસા) અને ચીકાસા ગામની કુલ સાડા ૨૩ વીઘા જમીન સરકાર હસ્‍તક કરવામાં આવી છે, જ્‍યારે પ્રવર્તમાન જંત્રીના ત્રણ ગણા લેખે રૂ. ૮૪,૨૮,૩૧૪નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

હાર્બર મરીન પોલીસ સ્‍ટેશનમાં વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા ગુજસીટોકના ગુનાની તપાસ દરમિયાન ગેંગ લીડર રમેશ છેલાણાની મિલકતો અને પરિવારજનોના નામે વસાવેલી સંપત્તિની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં રમેશ છેલાણાએ પોતાની પત્‍ની રૂપીબેનને ખાતેદાર ખેડૂત ન હોવા છતાં ખેડૂત તરીકે દર્શાવી જમીન ખરીદી હોવાનું સામે આવ્‍યું હતું.

ચીકાસા ગામના સર્વે નં.૨૩૫ની ૫૦૬ ચો.મી. જમીન તથા ટુકડા (ગોસા) ગામના સર્વે નં.૬૨૪ની ૧૫,૬૫૯ ચો.મી. અને સર્વે નં. ૬૨૫ની ૧૮, ૨૨૬ ચો.મી. જમીન મળી કુલ ૩૭,૩૯૧ ચો.મી. જમીન ખરીદવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્‍યું હતું.

આ બાબતે પોલીસ દ્વારા તા.૦૩-૦૩-૨૦૨૪ના રોજ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટને પત્ર પાઠવી કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્‍યારબાદ કલેક્‍ટર કચેરી દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમ હેઠળ કેસ ચલાવવામાં આવ્‍યો હતો. અંતે રૂપીબેનને જમીનમાંથી હાંકી કાઢવાનો હુકમ કરી સમગ્ર જમીન શ્રી સરકાર કરવામાં આવી હતી અને રૂ.૮૪,૨૮,૩૧૪નો દંડ વસૂલવાનો હુકમ કરવામાં આવ્‍યો હતો.

આ સમગ્ર કાર્યવાહી તત્‍કાલીન જુનાગઢ રેન્‍જ આઈજી નિલેષ જાંજાડિયા અને પોરબંદર એસપી ભગીરથસિહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તથા તપાસ અધિકારી ડીવાયએસપી ઋતુ રાબાની તપાસ દરમિયાન હાથ ધરવામાં આવી હતી.(૪૦.૨૭)

(1:44 PM IST)