<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સૌરાષ્ટ્રના જીવાદોરી સમાન ગોંડલ તાલુકાના ભાદર ડેમ નું નિરીક્ષણ કરતા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ

લીલાખા ગામના આંગણે આવેલા સૌથી મોટા જળાશયની ઝીણવટભરી મુલાકાત લઈને પીવાના પાણી અને સિંચાઈના વિતરણનું કર્યું અવલોકન : ખેડૂતોના હિતમાં જળ આયોજન અંગે અધિકારીઓ સાથે કરી સઘન ચર્ચા

ગોંડલ, તા.૫ : ગોંડલ તાલુકાના લીલાખા ગામ ખાતે આવેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશયોમાંના એક ભાદર ડેમની ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલે મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીના આગમનથી ડેમ પરિસરમાં અને આસપાસના ગામોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી.

 

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ભાદર ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ ડેમમાંથી પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈના પાણીના વિતરણ અને ઉપયોગ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.

આ તકે ડેમની *જળસંગ્રહ ક્ષમતા, પાણીના આયોજન અને ખેડૂતો સહિત આસપાસના વિસ્તારોના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉનાળા પહેલા પાણીનું સુચારુ આયોજન થાય અને કોઈ ગામને પાણીની તકલીફ ન પડે તે માટે મંત્રીશ્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન ધારાસભ્યના પ્રતિનિધિ અને યુવા અગ્રણી ગણેશભાઈ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિત સ્થાનિક આગેવાનો તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ભાદર ડેમ એ માત્ર ડેમ નથી, એ તો જીવનદાતા છે. મંત્રીશ્રીની આ મુલાકાતથી ખેડૂતો અને ગ્રામજનોમાં પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.(તસવીર:ભાવેશ ભોજાણી- ગોંડલ)

(4:39 PM IST)