News of Wednesday, 22nd July 2026
બોટાદના ઢસા મુકામે 'સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ' દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ, રક્તદાન મહાશિબિર અને દંતયજ્ઞ કેમ્પનું ભવ્યાતિભવ્ય આયોજન
સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના સાન્નિધ્યમાં ૨૯ જુલાઈએ યોજાશે ત્રિવિધ મહોત્સવ : નિઃશુલ્ક દંતયજ્ઞ, ટીંબી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન શિબિર અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રોગ્રામનું આયોજન

ઢસા (તા. ગઢડા): અધ્યાત્મ જગતમાં સદ્દગુરુનું સ્થાન અદ્વિતીય અને સર્વોચ્ચ માનવામાં આવે છે. ગુરુકૃપા એ જીવનની અનમોલ ઉપલબ્ધિ છે અને એ ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે અહંકારની ગુરુદક્ષિણા ગુરુચરણે સમર્પિત કરવા ગુરુદેવ પાસે જવાનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા. સનાતન ધર્મની વૈદિક સંન્યાસ પરંપરામાં એક પવિત્ર, ત્યાગ-વૈરાગ્યમય, માનવતાવાદી જીવનનો આદર્શ સ્થાપિત કરનાર શિવયોગી મહાપુરુષ પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સનાતન ધર્મનાં નવજાગરણ એવં માનવ સમાજમાં સેવા-ભક્તિનાં સંસ્કારોનું સિંચન કરવાના શુભાશયથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૨૦ જેટલા આશ્રમો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ આશ્રમોમાં પ્રતિવર્ષ ઉજવાતા નાના-મોટા મહોત્સવોમાંનો સૌથી મોટો ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા મહોત્સવ. બોટાદ જિલ્લાનાં ઢસા મુકામે પૂજ્ય સ્વામીજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ આશ્રમનાં સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય સ્વામીજીનાં કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં અને નિશ્રામાં આગામી તા. ૨૯-૦૭-૨૦૨૬ ને બુધવારનાં રોજ આ ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ટીંબી હોસ્પિટલ માટે રક્તદાન મહાશિબિર અને જાલંધર બંધ યોગપદ્ધતિથી દંતયજ્ઞ કેમ્પ:
આ પ્રસંગે ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે ૧૫ વર્ષોથી માનવમાત્રની તદ્દન નિઃશુલ્ક આરોગ્યસેવા બજાવી રહેલી પૂજ્ય સ્વામીજી દ્વારા પ્રસ્થાપિત 'સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ'નાં દર્દીઓનાં લાભાર્થે એક વિશાળ રક્તદાન મહાશિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત દર્દીનારાયણની નિઃશુલ્ક આરોગ્ય સેવાર્થે આ પ્રસંગે દંતયજ્ઞ કેમ્પ પણ ગોઠવવામાં આવેલ છે, જેમાં જાલંધર બંધ યોગપદ્ધતિથી દાંતનાં રોગોની તદ્દન નિઃશુલ્ક ચિકિત્સા કરવામાં આવશે અને સડેલા, દુઃખતા દાંત પીડા વગર કાઢી આપવામાં આવશે. આ નિઃશુલ્ક સેવાઓનો લાભ લેવા દર્દીનારાયણોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુરુપૂર્ણિમા મહોત્સવનો વિગતવાર કાર્યક્રમ:
ગુરુપૂર્ણિમા પર્વની પાવન પ્રભાતમાં આયોજિત વિશાળ ધર્મસભાનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે:
સવારે ૮:૦૦ કલાકે: ગુરુવંદના, સ્તુતિ, ધૂન-સંકીર્તનથી કાર્યક્રમનો શુભારંભ થશે.
સવારે ૯:૦૦ કલાકે: ષોડ્ગોપચાર વિધિથી પૂજ્ય સ્વામીજીની પ્રતિમાની પૂજનવિધિ કરવામાં આવશે.
સવારે ૧૦:૦૦ કલાકે: સ્વાગતવિધિ બાદ પૂજ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ ગુરુભક્તિ, ગુરૂતત્ત્વ રહસ્ય તેમજ ગુરુચૈતન્યની અનુભૂતિ વિષયક પ્રેરણાદાયી અમૃતવાણી વહાવીને ગુરુભક્તોને લાભાન્વિત કરશે.
સવારે ૧૧:૩૦ કલાકે: મહાનુભાવોનું સન્માન અને ગુરુભક્તો દ્વારા પ્રાસંગિક વક્તવ્યો પ્રસ્તુત કરવામાં આવશે.
બપોરે ૧૨:૩૦ કલાકે: આભારવિધિ બાદ સર્વે ઉપસ્થિત મહેમાનો અને ધર્મપ્રેમી જનતા માટે પૂજ્ય ગુરુદેવના સમૂહ ભોજન-મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્થળ, સમય અને લાઈવ પ્રસારણની માહિતી:
આ સમગ્ર મહોત્સવ, ધર્મસભા અને રક્તદાન મહાશિબિરનો સમય સવારે ૮:૦૦ થી બપોરે ૩:૦૦ કલાક સુધીનો રહેશે. મહોત્સવનું સ્થળ ગોપાલ કોટન ઈન્ડસ્ટ્રીઝ, સ્વામી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમવાળા રોડ થી આગળ, સ્ટેશન રોડ, મુ. ઢસા, તા. ગઢડા, જિ. બોટાદ ખાતે રાખવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમોનું જીવંત પ્રસારણ (Live Streaming) આશ્રમની યુ-ટ્યુબ ચેનલ 'ગુરુ-સાન્નિધ્ય' (Guru Sannidhya) તથા ફેસબુક પર પ્રસારિત કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનો, ગુરુપૂજનનો તથા ગુરુદેવનાં ભોજન-પ્રસાદનો લાભ લેવા માટે તથા રક્તદાન શિબિરમાં યુવા અને તંદુરસ્ત ભાઈઓ-બહેનોને રક્તદાન કરવા માટે આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક સૂત્ર +91 9879534451, +91 9723401753 અથવા +91 9428857618 પર સંપર્ક કરી શકાશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
