<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

જૂનાગઢ ઉપલા દાતાર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ધામધૂમથી ઉજવાયોઃ સમાધિ પૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સાથે હજારો ભક્‍તો ઉમટયા

પૂ.ભીમબાપુની નિશ્રામાં બ્રહ્મલીન પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજનઃ વરસાદી માહોલ વચ્‍ચે પણ દાતારના દરબારમાં ભાવિકોનો અવિરત પ્રવાહઃ ધવલ ઝાલા અને હીતેશ અંટાળા સહિતના જાણીતા કલાકારોએ ભજનની રમઝટ બોલાવી

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.,૩૦: જૂનાગઢની પ્રસિદ્ધ ધાર્મિક જગ્‍યા ઉપલા દાતાર ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ભક્‍તિભાવ અને ધામધૂમ સાથે ઉજવવામાં આવ્‍યો હતો.

જગ્‍યાના મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં આજે વહેલી સવારથી જ ભાવિક ભક્‍તો દાતાર બાપુના દર્શન માટે ઉમટી પડ્‍યા હતા. વરસાદ વચ્‍ચે પણ ડુંગરની ઊંચાઈએ આવેલી આ જગ્‍યાએ ભક્‍તોનો અવિરત પ્રવાહ જોવા મળ્‍યો હતો.

ઉપલા દાતારની જગ્‍યાના બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્‍ય પટેલ બાપુ અને પૂજ્‍ય વિઠ્ઠલ બાપુની સમાધિનું મહંત શ્રી ભીમ બાપુની ઉપસ્‍થિતિમાં વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્‍યું હતું. બપોરે દાતારના દરબારમાં આવેલા તમામ ભાવિક ભક્‍તો માટે ભવ્‍ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. હજારો ભક્‍તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.  રાત્રે ભવ્‍ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધવલ ઝાલા અને હીતેશ અંટાળા સહિતના જાણીતા કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિતે ઉપલા દાતારની જગ્‍યા દીપમાળા અને ફૂલોથી શણગારવામાં આવી હતી. મહંત શ્રી ભીમ બાપુ દ્વારા સમગ્ર મહોત્‍સવનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. ભક્‍તોએ જય દાતારના નારા સાથે આખો દિવસ ભક્‍તિમય માહોલ જાળવી રાખ્‍યો હતો.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

 

(10:34 AM IST)