તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 22nd July 2026
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૨૭ થી ૨૯ જુલાઈ દરમિયાન ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે
લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી ડૉ. વિજયભાઈ સેવક, ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી મુનિ સેવા આશ્રમ ગોરજ તથા ૩૪ પ્રાથમિક શિક્ષકોનું વિશિષ્ટ બહુમાન કરાશે : શૈક્ષણિક સંવાદ, ધ્વજારોહણ અને વ્યાસપૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

પોરબંદર: પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને ઉચ્ચ શિક્ષણ તથા ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્ય શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ ધામધૂમથી યોજાશે. પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ–૨૦૧૦થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ, બે મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન અને પ્રાથમિક શાળામાં શિક્ષણમાં નૂતન પ્રકાલ્પોથી કાર્ય કરતા ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં તા.૨૭-૦૭-૨૦૨૬ થી ૨૮-૦૭-૨૦૨૬ દરમિયાન અનુક્રમે સોમવારે અને મંગળવારે શૈક્ષણિક સંવાદ તેમજ ગુરુ ગૌરવ અવોર્ડ સમારોહ યોજાશે. ત્યારબાદ તા.૨૯-૦૭-૨૦૨૬ના બુધવારે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થશે.
૨૭ જુલાઈ - શૈક્ષણિક સંવાદ કાર્યક્રમ:
ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ અંતર્ગત તા.૨૭-૦૭-૨૦૨૬, સોમવારના રોજ સવારના સત્રમાં ૯:૩૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન ભાવપૂજન માટે ચયનિત થયેલા શિક્ષકો દ્વારા શૈક્ષણિક સંવાદ રજૂ કરવામાં આવશે. બપોર પછીના સત્રમાં ૩:૩૦ થી ૬:૩૦ વાગ્યા દરમિયાન પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં મુખ્ય ત્રણ એવોર્ડી મહાનુભાવ તથા જેઓનું વિશિષ્ટ સન્માન થવાનું છે તેઓ પોતાના જીવનકાળ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે કરેલા કાર્યોના અનુભવ વ્યક્ત કરશે. આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે આઇ.આઇ.એમ. અમદાવાદના નિવૃત્ત પ્રાધ્યાપક અનિલભાઈ ગુપ્તા દ્વારા પ્રસંગોચિત વિશેષ વ્યાખ્યાન આપવામાં આવશે.
૨૮ જુલાઈ - ૧૫મો સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ:
તા.૨૮-૦૭-૨૦૨૬, મંગળવારે સવારના સત્રમાં ૧૦:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન પૂજ્ય ભાઈશ્રી અને ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ શાખાના રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સંપન્ન થશે.
આ વર્ષે એવોર્ડ મેળવનાર મહાનુભાવોની વિગતો નીચે મુજબ છે:
લાઈફટાઇમ એચીવમેન્ટ અવોર્ડ: પદ્મશ્રી રતિલાલ બોરીસાગર (સાવરકુંડલા, જી. અમરેલી)
શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ: થિયેટર ઈન એજ્યુકેશનના પ્રણેતા ડૉ. વિજયભાઈ સેવક (સુરત)
ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ: મુનિ સેવા આશ્રમ ગોરજ (વડોદરા)
વિશિષ્ટ સન્માન: સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારા શાસ્ત્રી ડૉ. કૃષ્ણપ્રસાદ નિરૌલાજી (નડિયાદ)
વિશિષ્ટ સન્માન: પ્રાથમિક શિક્ષણમાં વિશેષ યોગદાન આપનારા સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. સી. ટી. ટુંડીયા
આ ઉપરાંત, સરકારી પ્રાથમિક શાળાના ગામ-સમુદાય સાથે રહીને શિક્ષણમાં પરિવર્તન કરનારા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી એક આચાર્ય/શિક્ષક એમ કુલ ૩૪ જેટલા શિક્ષકોનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોના હસ્તે ભાવપૂજન કરવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમનું પ્રસારણ sandipani.tv યુ ટ્યુબ ચેનલના માધ્યમથી લાઈવ કરવામાં આવશે.
૨૯ જુલાઈ: ગુરુપૂર્ણિમા ઉત્સવ અને ધાર્મિક આયોજન:
તા.૨૯-૦૭-૨૦૨૬, બુધવારે ગુરુપૂર્ણિમા અને વ્યાસપૂર્ણિમાના શુભ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિમંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર પૂજાવિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા વિધિવત વ્યાસપૂજન તેમજ ગુરુપંચકમનો પાઠ કરવામાં આવશે અને ગુરુપૂર્ણિમાનો દિનવિશેષ સંદેશ આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મનોરથી તેમજ દેશ-વિદેશથી પધારેલા ભાવિકો અને ઋષિકુમારો દ્વારા સદ્ગુરુપૂજન સંપન્ન થશે. સાંદીપનિ સંસ્થા દ્વારા તમામ ભાવિકજનોને આ શૈક્ષણિક અને ધાર્મિક મહોત્સવનો લ્હાવો લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
