તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
હેપ્પી હુન્નર: સણોસરા લોકભારતી યુનિવર્સિટી ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એકસપ્તાહીય કૌશલ્યવર્ધક કાર્યશાળાનું આયોજન
માટીકલા, ધાતુકલા અને કાષ્ઠકલા જેવી પરંપરાગત કલાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, હસ્તકૌશલ્ય અને ગ્રામવિકાસની ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું

સણોસરા: સણોસરા લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન દ્વારા તારીખ ૧૨ થી ૧૭ ઑગસ્ટ, ૨૦૨૬ દરમિયાન પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘હેપ્પી હુન્નર’ નામે એક સપ્તાહીય કૌશલ્યવર્ધક કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, હસ્તકૌશલ્ય અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી તેઓ પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક અનુભવો મેળવી જીવનની વાસ્તવિક સમસ્યાઓના સરળ ઉકેલો શોધી શકે.
પરંપરાગત કલાઓનું પ્રાયોગિક જ્ઞાન:
કાર્યશાળા દરમિયાન વિદ્યાર્થીઓએ માટીકલા, ધાતુકલા અને કાષ્ઠકલા જેવી ત્રણ પરંપરાગત કલાઓમાં વિવિધ નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રક્રિયા દ્વારા તેમણે કળાકૌશલ્યોની પ્રાયોગિક સમજ કેળવી, પરંપરાગત કારીગરીનું મહત્ત્વ સમજ્યું અને પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને વિવિધ નવીન વસ્તુઓનું સચોટ નિર્માણ કર્યું હતું.
ગ્રામજીવન અને સમાજોપયોગી અભિગમ:
લોકભારતી યુનિવર્સિટીનું શૈક્ષણિક દર્શન ગ્રામજીવન સાથે સીધું જોડાયેલું છે. આ અભિગમ અંતર્ગત યુનિવર્સિટી સ્થાનિક સંસાધનો, પરંપરાગત જ્ઞાન અને કૌશલ્યના આધારે ગ્રામ્ય સમાજની સમસ્યાઓના સરળ, સસ્તા, ટકાઉ અને ઉપયોગી ઉકેલો વિકસાવવા પર વિશેષ ભાર મૂકે છે. ‘હેપ્પી હુન્નર’ દ્વારા વિદ્યાર્થીઓને કૃષિ, ઘરવપરાશ, નાના વ્યવસાયો અને સ્થાનિક કારીગરી સાથે સંકળાયેલી જરૂરિયાતોને સમજીને સમાજોપયોગી ઉત્પાદનો તથા વ્યવહારુ ઉકેલો વિકસાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યશાળા કૌશલ્યવિકાસને શ્રમની ગરિમા, સામાજિક સંવેદનશીલતા અને ગ્રામવિકાસ સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ છે.
વિદ્યાર્થીઓની કૃતિઓનું પ્રદર્શન અને મહાનુભાવોની ઉપસ્થિતિ:
કાર્યશાળાના અંતિમ દિવસે એટલે કે ૧૭ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવીન વસ્તુઓનું એક ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને પ્રાયોગિક સમજને સુંદર રીતે રજૂ કરી હતી.
આ સફળ આયોજન બદલ લોકભારતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. અરુણ દવે, પ્રોવોસ્ટ ડૉ. વિશાલ ભાદાણી, રજિસ્ટ્રાર ડૉ. ભૌતિક લીંબાણી અને એકેડેમિક ડિરેક્ટર ડૉ. પરેશ ઝીંઝાળા દ્વારા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓના કૌશલ્યવિકાસ અને સર્જનાત્મક પ્રયાસોને બિરદાવતાં આવી પ્રવૃત્તિઓ શિક્ષણને વધુ પ્રાયોગિક અને સમાજોપયોગી બનાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યશાળાનું સફળ સંકલન ધ્યાનભાઈ પટેલ, હિમાંશીબેન પરમાર અને ફેમીબેન વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
