<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

ધોધમાર વરસાદ વચ્ચે ૧૦૮ સર્વિસનું દિલધડક રેસ્ક્યૂ: એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવાઈ

ગળામાં ગર્ભનાળ વીંટાયેલી હોવા છતાં EMT અને પાયલટની ગંભીર સ્થિતિમાં સમયસૂચકતા; તબીબી માર્ગદર્શનથી માતા અને નવજાત શિશુનો જીવ બચાવાયો

(સંજય ડાંગર) ધ્રોલ : મુશળધાર વરસાદ અને કટોકટીભરી પરિસ્થિતિ વચ્ચે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે જામનગર નજીક જાંબુડા પાટિયા પાસે સમયસૂચકતા દાખવીને એમ્બ્યુલન્સમાં જ ગળામાં ગર્ભનાળ વીંટાયેલી સ્થિતિમાં એક સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રોલ વિસ્તારની આઠ મહિનાની સગર્ભા મહિલાની તબિયત લથડતા તેમને વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જામનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન જામનગર નજીક જાંબુડા પાટિયા પાસે પહોંચતા મહિલાને અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા શરૂ થઈ હતી. હોસ્પિટલ સુધી પહોંચવાનો સમય ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

તપાસ દરમિયાન નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ વીંટાયેલી હોવાનું જણાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. જોકે ૧૦૮ના EMT પારસ ગોડેલેએ જરાય સમય ગુમાવ્યા વિના ERCP ડૉ. પંકજ સરનો ટેલિફોનિક સંપર્ક કરી જરૂરી તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું. ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પારસ ગોડેલેએ અત્યંત કુશળતાપૂર્વક બાળકના ગળામાંથી ગર્ભનાળ દૂર કરી તમામ તબીબી પ્રોટોકોલનું પાલન કરીને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી.

આ સમગ્ર કામગીરી દરમિયાન એમ્બ્યુલન્સના પાયલટ સંજયભાઈ હિંસુએ ભારે વરસાદ અને મુશ્કેલ માર્ગ વચ્ચે વાહનને સુરક્ષિત રીતે સંચાલિત કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યારે EME જયદેવ સરે પણ જરૂરી સહયોગ આપ્યો હતો.

ચોમાસા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થવાની કે હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આવા સમયે ૧૦૮ ઇમરજન્સી સેવા ઈમરજન્સી ગર્ભવતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થતી આવી છે.

હાલમાં ૧૦૮ ટીમની સમયસરની કામગીરીના કારણે માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે, અને તેમને વધુ સારવાર તથા નિરીક્ષણ માટે જામનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહિલાના પરિવારે ૧૦૮ની આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

(1:17 AM IST)