તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ગોંડલમાં હૃદય ધ્રુજાવી દેતી કરુણાંતિકા:પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પિતાએ પણ કારખાનામાં જ આપઘાત કર્યો
ગાયત્રી સિમેન્ટ કારખાનાના માલિક જયપાલભાઇ તોગડીયાએ ભર્યું આત્મઘાતી પગલું:15 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રીની ટૂંપો આપી હત્યા કર્યા બાદ પિતાએ પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યું

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘોઘાવદર રોડ પર આવેલા 'ગાયત્રી સિમેન્ટ' કારખાનામાં એક પિતાએ પોતાના જ બે માસૂમ સંતાનોની હત્યા કરીને પોતે પણ મોતને વહાલું કર્યું છે. કારખાનાના માલિક જયપાલભાઈ તોગડીયા સવારે પોતાના 15 વર્ષના પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રિવાને વહાલપૂર્વક ઘરેથી પોતાની સાથે કારખાને લાવ્યા હતા. કોઈને અંદાજ પણ નહોતો કે પિતા પોતાની સાથે જ સંતાનોનું કાળ લઈને જઈ રહ્યા છે.
કારખાના પર પહોંચ્યા બાદ કોઈ અગમ્ય કારણોસર જયપાલભાઈએ અત્યંત કઠોર નિર્ણય લીધો હતો. તેમણે પોતાના બંને તેજસ્વી સંતાનોને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હૃદયદ્રાવક કૃત્ય બાદ પિતાએ પણ એ જ કારખાનામાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો હતો. સુખી અને સંપન્ન પરિવારમાં અચાનક આવી પડેલી આ આફતથી દરેકના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
આ કરુણાંતિકામાં ભોગ બનનાર બંને બાળકો અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા. 15 વર્ષીય પુત્ર મિશ્રે તાજેતરમાં જ ધોરણ 10 ની પરીક્ષામાં 70% ગુણ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું હતું. જ્યારે 10 વર્ષની માસૂમ રિવા પણ ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. છેલ્લા 15 વર્ષથી સફળતાપૂર્વક વ્યવસાય ચલાવતા જયપાલભાઈએ કયા સંજોગોમાં આવું આત્મઘાતી પગલું ભર્યું તે હજુ પણ એક રહસ્ય છે. આ ઘટનાએ પંથકના શિક્ષણ અને વેપારી જગતને ઊંડો આઘાત આપ્યો છે.
ઘટનાની ગંભીરતાને જોતા ગોંડલ A ડિવિઝન પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ અધિકારીઓ અત્યારે આત્મહત્યા પાછળના કારણો શોધવા પરિવારજનો અને કારખાનાના કર્મચારીઓની પૂછપરછ કરી રહ્યા છે. સાંઢવાયા ગામના વતની એવા જયપાલભાઈના આ પગલાથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
