<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

પોરબંદર નજીક હૃદયદ્રાવક અકસ્માતઃ કારની ટક્કરે મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેખાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત

નવીબંદર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીના અવસાનથી બેડામાં ભારે શોકઃ પોલીસે કાર ચાલકને દબોચી લીધો

 

(પરેશ પારેખ દ્વારા )પોરબંદરઃ પોરબંદરના નવીબંદર નજીક એક અત્‍યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્‍માતની ઘટના સામે આવી છે. જેમાં નવીબંદર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ રેખાબેનનું રોડ અકસ્‍માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્‍યું છે. આ અકસ્‍માતને પગલે સમગ્ર જિલ્‍લા પોલીસ બેડામાં ભારે શોકનું મોજું ફરી વળ્‍યું છે.

મળતી માહિતી મુજબ, મહિલા કોન્‍સ્‍ટેબલ રેખાબેન પોતાના બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન નવીબંદર નજીક એક બેફામ આવી રહેલી કારના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્‍માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે રેખાબેનનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું.

ઘટનાની જાણ થતાં જ ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. પોલીસે ત્‍વરિત કાર્યવાહી કરીને અકસ્‍માત સર્જનાર કાર ચાલકને ઝડપી લીધો છે. આ મામલે માધવપુર પોલીસ સ્‍ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અકસ્‍માત બાદ મૃતક મહિલા કોન્‍સ્‍ટેબલ રેખાબેનના પાર્થિવ દેહને પોસ્‍ટમોર્ટમ અર્થે પોરબંદરની સિવિલ હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યો છે. ફરજ પરના એક નિષ્ઠાવાન મહિલા કર્મચારીના આ રીતે અકાળે અવસાનથી તેમના સાથી કર્મચારીઓ અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્‍યાપી ગઈ છે.

(3:39 PM IST)