News of Saturday, 27th June 2026
ભાવનગરમાં કાળજું કંપાવનારી ઘટના: તળાજામાં ૨૩ વર્ષની માતાએ ૪ મહિનાની માસૂમ પુત્રીને છાતી સરસી ચાંપી આત્મદાહ કર્યો, સારવાર દરમિયાન બંનેના કરુણ મોત
જૂના રાજપરા ગામમાં સવારે પરિવારે સપનામાંય નહોતું વિચાર્યું એવું કાળચક્ર ફર્યું: અગમ્ય કારણોસર પરિણીતાએ દીકરી પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી, સમગ્ર પંથક સ્તબ્ધ

ભાવનગર: ગોહિલવાડ પંથકમાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના રાજપરા ગામમાં એક શ્રમિક પરિવારની પરિણીતાએ પોતાની માત્ર ૪ મહિનાની માસૂમ પુત્રી સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલી માતા અને પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેએ દમ તોડી દેતા હોસ્પિટલ પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
મળતી વિગતો અનુસાર, જૂના રાજપરા ગામમાં રહેતા શ્રમિક અરવિંદભાઈ ભાલિયાના પત્ની દક્ષાબેને શનિવારે સવારે આશરે ૮:૩૦ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. ઘરમાં પતિ અને સાસુની ગેરહાજરીનો લાભ લઈને દક્ષાબેને પોતાની બે પુત્રીઓ પૈકીની સૌથી નાની ૪ મહિનાની પુત્રી ત્રિશાને છાતી સરસી ચાંપી હતી. ત્યારબાદ પોતાના અને માસૂમ દીકરીના શરીર પર જ્વલનશીલ પ્રવાહી (કેરોસીન અથવા ડીઝલ) છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી.
ચીસાચીસ થતાં પતિ દોડી આવ્યા, પણ બધું ખાખ થઈ ગયું હતું
ઘટના બની ત્યારે દક્ષાબેનના સાસુ કોઈ કામ અર્થે ઘરની બહાર ગયા હતા, જ્યારે પતિ અરવિંદભાઈ ઘરની બહાર શેરીમાં ઉભા હતા. ઘરમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને પત્નીની ચીસાચીસ સંભળાતા જ પતિ અને આસપાસના પડોશીઓ ઘર તરફ દોડ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં માતા અને ૪ મહિનાની બાળકી ગંભીર રીતે દાઝી ગયા હતા.
હોસ્પિટલના બિછાને મા-દીકરીએ તોડ્યો દમ
બંને ગંભીર જખમી હોવાથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક તળાજા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. અગ્નિની જવાળાઓમાં ગંભીર રીતે હોમાઈ ગયેલી માતા દક્ષાબેન અને માસૂમ ત્રિશાએ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને જ આંખો મીંચી લીધી હતી. એકસાથે ઘરના બે સભ્યોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
FSLની મદદથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ ઘટનાની જાણ થતાં જ દાઢા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે એફએસએલ (FSL) ની ટીમની મદદ લીધી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે. હજુ સુધી આત્મઘાતી પગલાં પાછળનું રહસ્ય અબંધ છે, જે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
