<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જામજોધપુર યાર્ડમાં બપોરે ધોધમાર વરસાદ : વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર

APMC યાર્ડ સહિત સમગ્ર પંથકમાં મેઘમહેર : ઉકળાટથી રાહત, ખરીફ વાવણી માટે સાનુકૂળ માહોલ

જામજોધપુર- મોટી પાનેલી તા.૧ : જામજોધપુર APMC યાર્ડ ખાતે આજે બપોરે 12:40 કલાકે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાથી પરેશાન વેપારીઓ, ખેડૂતો અને મજૂરોને આ વરસાદથી મોટી રાહત મળી છે.

 

APMC યાર્ડમાં માલની આવક-જાવક વચ્ચે અચાનક શરૂ થયેલા વરસાદના કારણે યાર્ડના ખુલ્લા પટમાં પાણી ભરાઈ ગયા હતા. વેપારીઓએ માલ-સામાનને વરસાદથી બચાવવા તાડપત્રી ઢાંકવાની કામગીરી શરૂ કરી હતી. 

 

જામજોધપુર પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. બપોરે 12:40 કલાકે વરસાદ શરૂ થતા જ ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. ખરીફ પાકની વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બનશે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને જીવતદાન મળશે.

 

યાર્ડના વેપારીઓએ જણાવ્યું કે આ વરસાદથી આગામી દિવસોમાં કૃષિ જણસોની આવકમાં વધારો થવાની આશા છે. વરસાદના પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.(- ચંદ્રેશ પટેલ-મોટી પાનેલી)

(1:38 PM IST)