News of Wednesday, 1st July 2026
મહુવા શહેરમાં બપોરે ધોધમાર વરસાદ : ઉકળાટ-બફારાથી મળી રાહત, શહેરીજનો ખુશખુશાલ
સવારથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી : ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વાવડ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

(રહીમ વસાયા દ્વારા)મહુવા, તા. 1 મહુવા શહેરમાં આજે બપોરે 12:15 કલાકે અચાનક વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સવારથી જ અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત શહેરીજનો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે બપોરે અચાનક વાદળો ઘેરાયા અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ પડતા જ શહેરના રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદના કારણે લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. વરસાદ પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ મહુવા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે. ખેડૂતો માટે આ વરસાદ ખરીફ પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
