<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હેરીટેજ સ્‍ટેટ લાયબ્રેરી ડેવલોપમેન્‍ટ પ્રોજેકટ

ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે સુવિધાનું સંકલનઃ ૪.૯૯ કરોડના પ્રોજેકટની શરૂ થયેલી કામગીરી- પૂર્ણ થયા બાદ નિયમિત વાંચકો અને વિદ્યાર્થીઓને માટે અદ્યતન સુવિધા વધશે પોરબંદરની સ્‍ટેટ લાઇબ્રેરી ઇ.સ.૧૮૮૮માં ગ્રીક આર્કિટેકચર શૈલીમાં નિર્માણ પામેલી ઐતિહાસિક ઇમારત છે જે સાંસ્‍કૃતિક વારસાનું મહત્‍વપૂર્ણ પ્રતિક માનવામાં આવે છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક અને સાંસ્‍કળતિક વારસાને જાળવી રાખવા તેમજ તેને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા માટે રૂ. ૪.૯૯ કરોડના ખર્ચે હેરિટેજ સ્‍ટેટ લાઈબ્રેરી ડેવલોપમેન્‍ટ પ્રોજેક્‍ટ હાથ ધરવામાં આવ્‍યો છે. આ મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત થોડા સમય પહેલા મુખ્‍યમંત્રીશ્રીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં વિધિવત રીતે કરવામાં આવ્‍યું હતું. મ્‍યુનિસિપલ કમિશનર શ્રી એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્‍થાનિક અગ્રણીઓ અને અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કામનો શુભારંભ કરાયા બાદ આ કામગીરી પૂરજોશમાં કાર્યરત કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી દિશા આપતા અનેક પ્રોજેક્‍ટ્‍સ પર ઝડપી ગતિએ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરની સુંદરતા, સુવિધા અને ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે તે માટે વિવિધ વિકાસકાર્યો અમલમાં મૂકવામાં આવ્‍યા છે.  હેરિટેજ સ્‍ટેટ લાઈબ્રેરી ડેવલોપમેન્‍ટ ઙ્કોજેક્‍ટ પણ તે જ દિશામાં એક મહત્‍વપૂર્ણ પહેલ તરીકે ઉભરી રહ્યો છે. આ સ્‍ટેટ લાઈબ્રેરી ઈ.સ. ૧૮૮૮માં ગ્રીક આર્કિટેક્‍ચર શૈલીમાં નિર્માણ પામેલી ઐતિહાસિક ઇમારત છે, જે પોરબંદર શહેરના સાંસ્‍કળતિક વારસાનું મહત્‍વપૂર્ણ પ્રતિક માનવામાં આવે છે. તે સમયના વહીવટદાર કર્નલ લેલીના હસ્‍તે તથા મહારાણા વિકમાતજીની ઉપસ્‍થિતિમાં તેનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી વિદેશથી પરત ફર્યા બાદ આ લાઈબ્રેરીના ઉપરના માળે આવેલા ટાઉનહોલમાં તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું, જેના કારણે આ સ્‍થળનું ઐતિહાસિક મહત્‍વ વધુ ઉજાગર થાય છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત હાલની સ્‍ટેટ લાઈબ્રેરી બિલ્‍ડિંગનું હેરિટેજ ધોરણો મુજબ રિસ્‍ટોરેશન કરવામાં આવી રહ્યું છે.

સ્‍ટેટ લાઇબ્રેરી વિકાસ પ્રોજેકટમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવાનું આયોજન છે. તેમજ પ્રથમ માળે આવેલા ટાઉનહોલનું સંવર્ધન અને પુનઃનિર્માણ પણ હાથ ધરાઇ રહ્યું છે. પ્રોજેક્‍ટ પૂર્ણ થયા બાદ વાચકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સુવિધાસભર, શાંતિપૂર્ણ અને આધુનિક અભ્‍યાસ પરિસર ઉપલબ્‍ધ થશે. આ પહેલ શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે નવી પેઢીને જ્ઞાન અને અભ્‍યાસ માટે ઉત્તમ માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવાની દિશામાં મહત્‍વપૂર્ણ સાબિત થશે.

હાલ પ્રોજેક્‍ટ અંતર્ગત વિવિધ કામગીરીઓ ઝડપી ગતિએ ચાલી રહી છે. કારીગરો દ્વારા હેરિટેજ માળખાને અનુરૂપ સચોટ અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં કામ પૂર્ણ થયા બાદ નાગરિકોને ઉત્તમ લાઈબ્રેરી સુવિધાઓનો લાભ મળશે અને શહેરના સાંસ્‍કળતિક જીવનમાં નવી ઊર્જાનો સંચાર થશે.

(12:21 PM IST)