તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
જૂનાગઢ મહાનગરપાલિકામાં હાઈવોલ્ટેજ ડ્રામા : મીડિયા કવરેજ રોકવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે તૂ-તૂ મૈં-મૈં, સભાખંડમાં ધરણાં
સામાન્ય સભામાં પત્રકારોને વેલમાં બેસી કવરેજ કરવાના આદેશથી વિવાદ, ભાજપના શૈલેષ દવે અને કોંગ્રેસના અદ્રેમાન પંજા સામસામે, કોંગ્રેસનો શાસકો પર વિપક્ષનું કવરેજ દબાવવાનો ગંભીર આરોપ

જૂનાગઢ, તા. 15 : જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે ભારે તંગદિલી અને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સભાની શરૂઆતમાં જ સભાખંડમાં હાજર પત્રકારોને વેલમાં બેસીને કાર્યવાહીનું કવરેજ કરવાનો આદેશ આપવામાં આવતા વિવાદ ફાટી નીકળ્યો હતો.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે શાસક ભાજપ વિપક્ષની રજૂઆત અને જનતાના પ્રશ્નો લોકો સુધી ન પહોંચે તે માટે મીડિયા પર અંકુશ મૂકી રહ્યું છે. આ મુદ્દે ભાજપના નગરસેવક શૈલેષ દવે અને કોંગ્રેસના નગરસેવક અદ્રેમાન પંજા વચ્ચે જોરદાર તૂ-તૂ મૈં-મૈં થઈ હતી. બંને પક્ષો ઊંચા અવાજે બોલવા લાગતા હોલમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકપ્રશ્નોની ચર્ચા બાજુ પર રહી ગઈ હતી.
શાસક પક્ષના વલણ સામે કોંગ્રેસના તમામ નગરસેવકો એકત્ર થઈ સભાખંડમાં નીચે બેસી જઈ ધરણાં પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભારે બોલાચાલી અને સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપના કેટલાક વરિષ્ઠ નગરસેવકોએ દરમિયાનગીરી કરી બંને પક્ષોને શાંત પાડ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને ત્યારબાદ સામાન્ય સભાની કાર્યવાહી નિયમ મુજબ આગળ ધપાવવામાં આવી હતી.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
