તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
જેતપુરમાં હાઇવે ઓથોરિટીનું બુલડોઝર ફર્યુઃ ધારેશ્વરથી નવાગઢ સુધી દબાણોનો સફાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૩૦ : શહેરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાનું એક મોટું અને કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હાઇવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડને ખુલ્લો કરવાના હેતુથી ધારેશ્વર ચોકડીથી લઈને તત્કાલ ચોકડી સુધીના સમગ્ર વિસ્તારમાં મોટા પાયે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી.
અભિયાનની શરૂઆતમાં ધારેશ્વર ચોકડી નજીક નેશનલ હાઇવેની જગ્યામાં ખડકાઈ ગયેલી ગેરકાયદેસર હોટલો, ઢાબા અને વ્યવસાયિક દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીમ નવાગઢ ખાતે પહોંચી હતી, જ્યાં હાઇવેની જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલા ગેરકાયદેસર રહેણાંક મકાનો પર પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અનધિકળત દબાણ કરનારા તમામ લોકોને આખરી કાર્યવાહી કરતા પહેલાં કાયદેસરની નોટિસ ફાળવવામાં આવી હતી. નોટિસની મુદત પૂરી થતાં જ સવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
ડીમોલેશનની આ કામગીરી દરમિયાન કોઈ બનાવ ન બને અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં હાઇવે પરથી અનેક નાના-મોટા કાયમી અને અસ્થાયી દબાણો દૂર કરી નેશનલ હાઇવેની કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પણ આવા અનેક ગેરકાયદેસર દબાણો થઈ ચૂકયા છે જેથી પ્રબુદ્ધ લોકોમાં એવું ચર્ચા રહ્યું છે કે હાઈવે ઓથોરિટી ની જેમ શહેરનું નિંભર તંત્ર ત્યારે ઘોર નિંદરમાંથી જાગી દબાણો દૂર કરી સરકારી જમીનો ખાલી કરાવશે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
