News of Sunday, 31st May 2026
કચ્છના મુન્દ્રામાં ભુજપુર ગામ પાસે હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત:ત્રણ લોકોને ગંભીર ઇજા
તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અદાણી હોસ્પિટલ ખસેડાયા

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાંથી પસાર થતા માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મુન્દ્રાના ભુજપુર ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભુજપુર પાસે હાઇવે પરથી પસાર થઈ રહેલી કારને એક તોતિંગ ટ્રકે જોરદાર અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને કારમાં સવાર મુસાફરોની ચીસાચીસ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
અકસ્માતની જાણ થતાં જ મુન્દ્રા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને કોની બેદરકારી હતી, તે દિશામાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
