<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

સણોસરા લોકભારતી યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય : સ્નાતક અભ્યાસક્રમના તમામ વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ હજારની શિષ્યવૃત્તિનો અનોખો અભિગમ

સરકારી સહાય ઓછી હશે તો ઘટતી રકમ દાતાઓના સહયોગથી સંસ્થા ચૂકવશે : કેળવણીના મોભી ગણાતી સંસ્થાની જાહેરાતથી વાલીઓને મળશે મોટો આર્થિક ટેકો

 સણોસરા:  ભાવનગર જિલ્લાની સાથે સાથે સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેળવણીનું પવિત્ર તીર્થ ગણાતી સણોસરા સ્થિત લોકભારતી સંસ્થા દ્વારા વિદ્યાર્થીહિતમાં એક અત્યંત પ્રશંસનીય અને અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. અભ્યાસક્રમની સાથે સાથે હંમેશા મૂલ્ય આધારિત શિક્ષણને કેન્દ્ર સ્થાને રાખતી આ સંસ્થા સંચાલિત લોકભારતી યુનિવર્સિટીએ સ્નાતક (ગ્રેજ્યુએશન) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક શિક્ષણ-ફીમાં રૂપિયા ૨૦ હજાર સુધીની વિશેષ શિષ્યવૃત્તિ (સ્કોલરશીપ) યોજના જાહેર કરી છે. સંસ્થાના આ ઉમદા અભિગમના કારણે અહી અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં ખૂબ મોટો આર્થિક લાભ ઉપલબ્ધ થશે.

લોકભારતી યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનો ઉચ્ચ અભ્યાસ કરવા આવતા તમામ વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક રીતે સધ્ધર અને ચિંતામુક્ત કરવાના પવિત્ર હેતુ સાથે આ વિશેષ સ્કોલરશીપ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા આ યોજનાના નિયમો અને માળખું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી સંબંધિત યોજનાઓ મુજબ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની સહાય જો રૂપિયા ૨૦ હજાર કરતા ઓછી હશે, તો તેમાં જેટલી રકમ ઘટતી હશે તે તમામ ઘટતી રકમ સંસ્થાના ઉદાર સહયોગી દાતાઓ દ્વારા ઉમેરીને વિદ્યાર્થીને પૂરેપૂરી ચૂકવવામાં આવશે.

 સરકારી સહાય ન મળતી હોય તેવા વિદ્યાર્થીઓને પણ પૂરો લાભ:

આ સ્કોલરશીપ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે, જે વિદ્યાર્થીઓ સરકારી નિયમો મુજબ કોઈ પણ પ્રકારની સરકારી શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર ઠરતા નથી અથવા તો જેમને સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળવાપાત્ર નથી, તેવા તમામ બિન-અનામત કે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને પણ લોકભારતી યુનિવર્સિટી દ્વારા કુલ રૂપિયા ૨૦ હજારની શિષ્યવૃત્તિનો સીધો લાભ આપવામાં આવશે. આ ક્રાંતિકારી નિર્ણયને પરિણામે યુનિવર્સિટીના કેમ્પસમાં સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા ૨૦ હજાર સુધીનો ચોક્કસ નાણાકીય લાભ મળશે, જે મધ્યમ અને સામાન્ય વર્ગના વાલીઓ માટે આજના મોંઘવારીના જમાનામાં ફી ભરવા માટે એક મોટો આશીર્વાદરૂપ ટેકો સાબિત થશે.

 વધુ વિગત માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો:

સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ અનોખી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ અને ઉત્સુક વાલીઓ આ અંગેની વધુ વિસ્તૃત વિગતો, શરતો અને પ્રવેશ પ્રક્રિયાની માહિતી મેળવવા માટે જાહેર રજાના દિવસો સિવાયના કામકાજના દિવસો દરમિયાન લોકભારતી સંસ્થાના મુખ્ય કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સુવિધા માટે સંસ્થાએ સત્તાવાર મોબાઈલ નંબર ૯૦૫૪૩૬૬૨૧૨ પણ જાહેર કર્યો છે, જેના પર સંપર્ક કરીને શિષ્યવૃત્તિ અંગેની તમામ વહીવટી માર્ગદર્શિકા મેળવી શકાશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:16 PM IST)