<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

સણોસરાની લોકભારતી વિશ્વવિદ્યાલય અને સેન્ટ્રલ સોલ્ટ (CSMCRI) વચ્ચે ઐતિહાસિક શૈક્ષણિક જોડાણ : ગ્રામીણ ઈનોવેશન સાથે વૈજ્ઞાનિક સંશોધનોનો સમન્વય થશે

ઊર્જા, પર્યાવરણ, પાણી, કૃષિ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું માર્ગદર્શન આપવા બંને પ્રતિષ્ઠિત સંસ્થાઓના વડાઓ વચ્ચે સણોસરા ખાતે સમજૂતી કરાર (MoU) સંપન્ન

 ઈશ્વરિયા:  ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અંતર્ગત કાર્યરત લોકભારતી વિશ્વવિદ્યાલય (લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન) અને કેન્દ્ર સરકારની ભાવનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ સંસ્થા 'કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા' (CSMCRI) વચ્ચે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સંશોધન જોડાણ થયું છે. સણોસરા ખાતે બંને સંસ્થાઓના વડાઓ અને અગ્રણી વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં સંશોધન તેમજ તાલીમ કાર્યક્રમોના હેતુથી સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. શિક્ષણ અને ઉચ્ચ તકનીકી સંશોધનના આ સમન્વયથી આવનારા સમયમાં રાષ્ટ્રને ક્રાંતિકારી પરિણામો મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

 ગ્રામીણ સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિકો સણોસરા આવીને આપશે માર્ગદર્શન:

લોકભારતી સંસ્થા લાંબા સમયથી શિક્ષણ અને સંશોધન દ્વારા ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો ઉકેલવા માટે કાર્યરત છે, જ્યારે કેન્દ્રીય નમક સંશોધન સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિક સંશોધનો ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. આ કરાર થવાને કારણે હવે ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં રહીને જ વૈશ્વિક કક્ષાનું અભ્યાસકાર્ય અને સંશોધન કરવાની અનમોલ તક મળશે. આ ઉપક્રમ હેઠળ રાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો સણોસરા આવીને વિદ્યાર્થીઓને ઊર્જા અને પર્યાવરણ, વીજાણુ પ્રક્રિયા, શુદ્ધ પાણી, આધુનિક કૃષિ, ખોરાક ટેકનોલોજી અને પશુપાલન જેવા સંવેદનશીલ તેમજ રોજગારલક્ષી વિષયોમાં સીધું માર્ગદર્શન પૂરું પાડશે.

 

 સમજૂતી કરાર બેઠકમાં અગ્રણી શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકોની પ્રેરક ઉપસ્થિતિ:

લોકભારતી સણોસરા ખાતે ગુરુવાર તા. ૨૫ જૂનના રોજ યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને સંસ્થાઓના વડાઓએ કરાર દસ્તાવેજો પર સહી-સિક્કા કરીને આ નૂતન આયામને સત્તાવાર આખરી ઓપ આપ્યો હતો. આ પ્રસંગે લોકભારતીના વડા અને જાણીતા લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ સંસ્થાના શિક્ષણ, સંશોધન અને સંવર્ધનના પાયાના અભિગમનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ ઉમદા જોડાણથી શિક્ષણ જગત દ્વારા સામાજિક સ્તરે ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત થશે.

 

આ બેઠકમાં કેન્દ્રીય નમક સંશોધન સંસ્થા (CSMCRI) તરફથી નિષ્ણાંત વૈજ્ઞાનિક પ્રતિનિધિઓ ચૌધરી, ઘોષ અને ત્રિવેદી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા રાજેન્દ્રભાઈ ખિમાણી, સંસ્થાના નિયામક હસમુખભાઈ દેવમુરારી, ભૌતિકભાઈ લીંબાણી, વિશાલભાઈ ભાદાણી તેમજ સંસ્થા પરિવારના અન્ય ઉત્સાહી કાર્યકર્તાઓ અને પ્રાધ્યાપકોએ હાજર રહીને શૈક્ષણિક ક્ષેત્રે લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(3:37 PM IST)