તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
કચ્છના ધોળાવીરામાં ખુલશે ઇતિહાસનું સૌથી મોટું રહસ્ય: સફેદ રણ નીચે હજારો વર્ષ પહેલાં ધબકતું હતું સમુદ્રી જીવન અને વેપારનું સામ્રાજ્ય!
શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચે ત્રણ વર્ષનો સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ શરુ: પ્રાચીન દરિયાઈ માર્ગો અને પર્યાવરણના અભ્યાસથી હડપ્પાકાળના વણઉકેલાયેલા રાઝ આવશે બહાર

ભુજ : કચ્છની ધરતી અને તેનું રહસ્યમય સફેદ રણ હંમેશાંથી પુરાતત્વવિદો અને ઇતિહાસકારો માટે આશ્ચર્યનો વિષય રહ્યા છે. હજારો વર્ષ પહેલાં આજના સૂકા અને ખારા પ્રદેશમાં માનવ વસાહતો કેવી રીતે ફૂલીફાલી હતી અને બદલાતા સમુદ્ર તથા નદીઓના પ્રવાહ વચ્ચે માનવીએ કેવી રીતે જીવન ગોઠવ્યું હતું તે અંગે હવે મોટા ખુલાસા થવાની તૈયારી છે. આ દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને બ્રિટનની ખ્યાતનામ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષના એક સંયુક્ત સંશોધન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે.
આ અત્યાધુનિક સંશોધન હેઠળ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા અને તેની આસપાસના હડપ્પાકાલીન સ્થળોના પ્રાચીન પર્યાવરણ, દરિયાઈ સપાટીમાં આવેલા કુદરતી ફેરફારો તેમજ તે સમયના દરિયાઈ વેપારી માર્ગોની સઘન તપાસ કરવામાં આવશે. સંશોધકો મુખ્યત્વે એ સવાલના જવાબ શોધી રહ્યા છે કે આજથી ૪ થી ૫ હજાર વર્ષ પહેલાં હડપ્પાકાળ દરમિયાન આજના રણ પ્રદેશની ભૂગોળ કેવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આજ જ્યાં સફેદ રણ અને સૂકા વિસ્તારો છે, ત્યાં ભૂતકાળમાં એસ્ટ્યુરાઇન (ખાડી) અથવા સમુદ્રી પર્યાવરણ સક્રિય હતું, જેનો સીધો સંબંધ તે સમયના વૈશ્વિક વેપાર સાથે જોડાયેલો હતો.
આ વૈજ્ઞાનિક તપાસના પરિણામો જો સાચા ઠરશે તો તે ઇતિહાસની પુસ્તકોમાં નવો અધ્યાય જોડશે. આનાથી એ સ્પષ્ટ થશે કે ધોળાવીરા માત્ર એક ઉત્કૃષ્ટ પ્રાચીન નગર જ નહોતું, પરંતુ કચ્છના બદલાતા દરિયાઈ ભૂગોળ અને જળમાર્ગોનો કુશળતાપૂર્વક લાભ લઈને વિકસેલું એક અતિમહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપારી કેન્દ્ર હતું. હજારો વર્ષ પહેલાં સફેદ રણની નીચે દરિયાઈ પાણીની હિલચાલ કેવી હતી અને હડપ્પન નાવિકોની દુનિયા તથા તેમની વ્યાપારી ગતિવિધિઓ કેવી હતી તે રહસ્યો હવે ટૂંક સમયમાં જ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉજાગર થશે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
