<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

દીવના ડાંગરવાડીમાં હિટ એન્ડ રન :પુરઝડપે આવતી કારે મહિલાને ટક્કર મારી હવામાં ફંગોળી :કાર ચાલક ફરાર

ગુજરાત પાસિંગની પુરપાટ ઝડપે આવતી કારે રાહદારી મહિલા લીલાવતી બામણિયાને જોરદાર ટક્કર મારી: દીવ પોલીસ સીસીટીવીના આધારે તપાસ ચલાવી રહી છે.

દીવના ડાંગરવાડી વિસ્તારમાં હૃદયકંપાવનારી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વિગતો અનુસાર, રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સ્થાનિક રાહદારી મહિલાને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી એક કારે જોરદાર ટક્કર મારી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતાની સાથે જ મહિલા હવામાં અધ્ધર ફંગોળાઈ ગઈ હતી અને રોડની બાજુમાં આવેલા એક ઊંડા ખાડામાં જઈને પડી હતી. આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા ભૂલીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરારથઈ ગયો હતો.

આ અકસ્માતનો ભોગ બનનાર રાહદારી મહિલાની ઓળખ લીલાવતી બામણિયા તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસના લોકો પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, આ ભયાનક અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, જે એક ચમત્કાર સમાન છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને તાકીદે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ચકચારી ઘટનાની જાણ થતાં જ દીવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર અજ્ઞાત કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ અને ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ની ચકાસણી દરમિયાન એક મહત્વનો ખુલાસો થયો છે કે અકસ્માત સર્જનાર કાર પાડોશી રાજ્ય ગુજરાતના પાસિંગની હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે કારના રજીસ્ટ્રેશન નંબરની ઓળખ કરી ચાલકને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

(9:46 PM IST)