News of Monday, 23rd November 2026
ચોટીલા પાસે હિટ એન્ડ રનઃ પરિવારજનો સાથે રસ્તો ઓળંગી રહેલા ૧૦ વર્ષના જયનું મોત
જુનાગઢથી પરિક્રમા પુરી કરી ચાવડા-દરજી પરિવારર વતન આણંદ બોરસદ તરફ જતો હતો ત્યારે બનાવ : ધોરણ-૩માં ભણતો હતોઃ માતા, પિતા, દાદા, ફઇ સહિતના સ્વજનો સાથે સામેની તરફ ચા-નાસ્તો કરવા રસ્તો પસાર કરી કરતો હતો ત્યારે કારચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ બાળકે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૩: ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા પાસે હિટ એન્ડ રનના બનાવમાં આણંદના બોરસદ પંથકના દરજી પરિવારના ૧૦ વર્ષના બાળકનું મોત થયું છે. આ બાળક પરિવારજનો સાથે જુનાગઢ પરિક્રમા પુરી કરી પરત વખત જતો હતો ત્યારે ચોટીલા પાસે ચા-નાસ્તો કરવા રસ્તો પસાર કરતો હતો ત્યારે કોઇ કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ બોરસદના અલારસર ગામે રહેતા દેવલભાઇ નવીનચંદ ચાવડા-દરજી અને તેમના પત્નિ, પિતા, બહેન અને બે દિકરા સહિતના સ્વજનોને લઇ પોતાની કારમાં ૨૦મીએ જુનાગઢ ખાતે પરિક્રમા કરવા આવ્યા હતાં. પરિક્રમા પુરી થયા બાદ રાતે વતન જવા નીકળ્યા હતાં.
આ પરિવારજનો ચોટીલા આપા ગીગાના ઓટલા પાસે પહોંચ્યા ત્યારે સામેની સાઇડ કાર પાર્ક કરી સાંજે આઠેક વાગ્યે ચા-નાસ્તો કરવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતાં. આ વખતે દેવલભાઇ ચાવડાનો દિકરો જય (ઉ.વ.૧૦) કોઇ કાર કે અન્ય વાહનની ઠોકરે ચડી જતાં ફેંકાઇ ગયો હતો. અકસ્માત સર્જી વાહનચાલક ભાગી ગયો હતો.
જયને ગભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મૃત્યુ થયું હતું. બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાીપ ગઇ હતી. મૃત્યુ પામનાર જય બે ભાઇમાં નાનો હતો અને ધોરણ-૩માં ભણતો હતો. તેના પિતા દેવલભાઇ દરજી કામ કરે છે. લાડકવાયાના મૃત્યુથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
