News of Wednesday, 16th September 2026
ચોટીલા નજીક હિટ એન્ડ રન : દંપતિ ખંડીત
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર યદુવંશી હોટલ નજીક ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત, ૩ લોકો ગંભીર ઇજાગ્રસ્ત, ચાલક ફરાર : ઉજ્જૈનથી પરત ફરતી વખતે રાજકોટના નેહાબેન માણેકનું મૃત્યું : પતિ દિવ્યેશભાઇ માણેક સારવારમાં : લોહાણા પરિવારમાં અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.,૧૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક આવેલી યદુવંશી હોટલ પાસે સર્જાયો હતો. જેમાં રાજકોટના લોહાણા પરિવારના દંપતિ ખંડીત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનો લોહાણા પરિવારજનો કારમાં ઉજ્જૈનથી દર્શન કરીને પરત આવી રહયા હતા ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા નજીક યદુવંશી હોટલ નજીક હાઇવે પર ડમ્પરે અચાનક બ્રેક લગાવતા પાછળ આવતી કાર કાબુ બહાર જઈ ધડાકાભેર ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી.આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર રાજકોટના નેહાબેન દિવ્યેશભાઇ માણેક (ઉ.વ.૩૩) નું ઘટનાસ્થળે જ કરૂણ મોત
નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર તેમના પતિ દિવ્યેશભાઇ માણેકને ઇજા થતા સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તથા તેમના અન્ય ૦૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઘટનાની જાણ થતા જ ચોટીલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક મળતદેહને પીએમ અર્થે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણેય ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે.
અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો છે. પોલીસે ડમ્પર કબજે કરી હાઇવે પરથી બંને વાહનો હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો છે અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ અંગે ગુનો દાખલ કરી ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક નેહાબેનને સંતાનમાં પ્રત્યુષ અને હિયાન નામના બે બાળકો છે. અશ્વીનભાઇ માણેક અને ચંદ્રીકા માણેકના તેઓ પુત્રવધુ થતા હતા. તેમજ જામનગર નિવાસી પ્રદિપભાઇ કરશનદાસ તન્નાના પુત્રી તથા હિરેનભાઇ અને ચેતનભાઇના બહેન થતા હતા. તેઓ રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર શિતલ પાર્ક પાસે આર.કે.આઇકોનીકની પાછળ વિરલ વાટીકામાં રહેતા હતા. નેહાબેનના અવસાનથી બે સંતાનો માતા વિહોણા થઇ જતા અરેરાટી વ્યાપી ગઇ છે. (૪.૧૪)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
