<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અજમાના ખેતરોમાં મધમાખી ઉછેરથી ૩ કરોડનું મધ ઉત્‍પાદન

જામ-દૂધઈ આસપાસનાં ૧૦ ગામોમાં ૧૫ હજાર મધપેટીઓ, ૩૦૦ લોકોને રોજગારીઃ આ સિઝનમાં ૧૦૦ ટન મધ એકત્ર થવાનો અંદાજ મધમાખીઓના પરાગનયનથી અજમાના પાકમાં ૩૦ ટકા ઉત્‍પાદન વધારોઃ નવરંગ નેચર ક્‍લબ દ્વારા શનિવારે મધ ઉછેર કેન્‍દ્રની મુલાકાત

રાજકોટ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામ-દૂધઈ તથા આસપાસનાં ગામોમાં અજમાની ખેતી સાથે મધમાખી ઉછેરનો વ્‍યવસાય ખેડૂતો અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો માટે આર્થિક સમળદ્ધિનું નવું માધ્‍યમ બની રહ્યો છે. આમરણ ચોવીસીના જામ-દૂધઈ સહિત આસપાસનાં કુલ ૧૦ ગામોમાં વરસાદ આધારિત અજમાની ખેતી થાય છે. વર્ષ ૨૦૧૧માં વી.ડી. બાલાએ ચિખલી, નવસારીના અશોકભાઈ પટેલને બોલાવી આ વિસ્‍તારમાં પ્રથમ વખત ૪૦૦ મધપેટીઓ મૂકાવી મધમાખી ઉછેરની શરૂઆત કરાવી હતી. આજે વર્ષ ૨૦૨૬માં આ વિસ્‍તારમાં અંદાજે ૫૦ સંસ્‍થાઓ દ્વારા ૧૫ હજાર મધપેટીઓ મૂકવામાં આવી છે, જેના થકી ૩૦૦ લોકોને રોજગારી મળી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે.

અજમાની ખેતીમાં મધમાખીઓનું યોગદાન પણ અત્‍યંત મહત્ત્વપૂર્ણ છે. અજમાના છોડ પર આશરે ૪૫ દિવસ ફૂલ રહે છે અને આ સમયગાળા દરમિયાન મધમાખીઓ સતત ફૂલોમાંથી મધ એકત્ર કરે છે. એક મધપેટીમાં ૯ પ્‍લેટ અને અંદાજે ૭ હજાર ઇટાલિયન મધમાખીઓ હોય છે. દર ૧૫ દિવસે મધપેટીમાંથી મધ કાઢવામાં આવે છે અને એક સિઝનમાં ત્રણ વખત મધ ઉત્‍પાદન થાય છે. એક વખતમાં એક પેટીમાંથી આશરે ૨ કિલો મધ મળે છે. મધમાખીઓ અજમાના ફૂલોમાં પરાગરજનું વહન કરતી હોવાથી ખેતીમાં પણ ફાયદો થાય છે. પરાગનયનની પ્રક્રિયાથી અજમાના પાકમાં અંદાજે ૩૦ ટકા ઉત્‍પાદન વધારો થતો હોવાનું જણાવાયું છે. આ વધારાના ઉત્‍પાદનથી ખેડૂતોને આશરે એક કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક વળતર મળે છે. જ્‍યારે ચાલુ સિઝનમાં અંદાજે ૧૦૦ ટન અજમાનું મધ એકત્ર થવાની શકયતા છે, જેની બજાર કિંમત આશરે ૩ કરોડ રૂપિયા થાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ સમગ્ર પ્રક્રિયાની પ્રત્‍યક્ષ જાણકારી મેળવવા માટે નવરંગ નેચર ક્‍લબ રાજકોટ દ્વારા તા. ૨૮ , શનિવારના રોજ જામ-દૂધઈ ખાતે મધ ઉછેર કેન્‍દ્રની મુલાકાતનું આયોજન કરવામાં આવ્‍યું છે. સવારે ૧૦ વાગ્‍યે સ્‍થળ પર પહોંચવાનું રહેશે. મુલાકાત દરમિયાન મધપેટીઓનું નિરીક્ષણ, મધ કાઢવાની પ્રક્રિયાનું પ્રત્‍યક્ષ નિદર્શન તેમજ મધનો સ્‍વાદ માણવાની તક મળશે. પ્રવાસમાં જોડાવા ઇચ્‍છુકોએ ફોન પર રજીસ્‍ટ્રેશન કરાવી લેવા વી.ડી. બાલા, પ્રમુખ - નવરંગ નેચર ક્‍લબ, રાજકોટ (મો. ૯૪૨૭૫૬૩૮૯૮)એ અંતમાં જણાવાયું છે

(3:47 PM IST)