હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાબરા પાલિકાના હોદ્દેદારો પાસેથી વિકાસ અને પારદર્શક વહીવટની આશા

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨૦: બાબરા શહેરમાં નગરપાલિકાના નવા હોદ્દેદારોની નિમણૂક બાદ શહેરની જનતામાં નવી આશાઓ જાગી છે. શહેરના લોકો હવે બાબરાના સર્વાંગી વિકાસ, સુવિધાઓમાં વધારો અને પારદર્શક વહીવટની અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને રસ્તા, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ગટર વ્યવસ્થા તેમજ આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓમાં સુધારો થાય તેવી માંગ ઉઠી રહી છે.
શહેરના જાગળત નાગરિકો અને વેપારી વર્ગનું માનવું છે કે ગત ટર્મ દરમિયાન ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓને કારણે અનેક વિકાસ કાર્યો અટવાઈ ગયા હતા, જેના કારણે જનતામાં અસંતોષ જોવા મળ્યો હતો. હવે નવી બોડી પાસેથી લોકો ઈમાનદારીપૂર્વક અને જનહિતને કેન્દ્રમાં રાખી કામગીરી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.
નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સભ્યો શહેરના પ્રશ્નોને પ્રાથમિકતા આપી લોકોના વિશ્વાસ પર ખરા ઉતરે અને બાબરાને વિકાસના નવા માર્ગે આગળ ધપાવે તેવી શહેરભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. જનતા ઈચ્છે છે કે વિકાસના કામોમાં પારદર્શિતા રહે અને પ્રજાના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય જેથી બાબરા શહેરને એક આધુનિક અને સુવ્યવસ્થિત શહેર તરીકે ઓળખ મળે.
આગેવાનોના સપના અધૂરા
બાબરા શહેર નગરપાલિકાની નવી રાજકીય પરિસ્થિતિ વચ્ચે શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. શહેરના અમુક કહેવાતા આગેવાનોના નગરપાલિકામાં સત્તા અને પ્રભાવ જાળવવાના સપના અધૂરા રહી જતા લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. શહેરમાં લાંબા સમયથી વિકાસના નામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો થતા રહ્યા હતા, જેને કારણે સામાન્ય નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળતો હતો.
શહેરના જાગળત નાગરિકોનું માનવું છે કે નગરપાલિકામાં પારદર્શકતા અને પ્રજાલક્ષી વહીવટ જરૂરી છે. લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે નવી ટીમ શહેરના વિકાસને પ્રાથમિકતા આપશે અને ગેરરીતિઓને પ્રોત્સાહન નહીં આપે.
શહેરમાં ચર્ચાઈ રહ્યું છે કે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે હવે લોકો વિકાસલક્ષી અને સ્વચ્છ વહીવટ ઈચ્છી રહ્યા છે. અનેક નાગરિકોએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારયુક્ત શાસનનો અંત આવવો શહેર માટે સકારાત્મક સંકેત છે અને હવે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થવી જોઈએ.
બાબરા શહેરની જનતા હવે પારદર્શક વહીવટ, સ્વચ્છ શાસન અને સર્વાંગી વિકાસની અપેક્ષા રાખી રહી છે. ભાજપ ના તાજેતરમાં નગરપાલિકા નિમણૂક થયેલા હોદેદારોને શહેર ની જનતા એ આવકારી અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
