<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

અષાઢી બીજ બાદ જામનગરમાં વરસાદની આશા અધૂરી : ધોધમાર મેઘરાજાની રાહમાં નગરજનો : આજે વાદળછાયું વાતાવરણ : લતીપુરમા પોણો, લૈયારામા અડધો ઇંચ

સવારે વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદથી આશા જાગી, પરંતુ વાદળો વિખેરાતાં ઉકળાટ યથાવત્; ધ્રોલ પંથકમાં વરસાદ નોંધાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૧૭ : જામનગર શહેરમાં ગઈકાલે અષાઢી બીજના દિવસે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. પરંતુ અષાઢી બીજ કોરી રહી હતી, ત્યાર બાદ આજે બીજા દિવસે સવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા અને ઝરમર વરસાદનું એક ટૂંકું ઝાપટું વરસતાં નગરજનોમાં સારા વરસાદની આશા બંધાઈ હતી. જોકે, થોડા જ સમયમાં વાદળો વિખેરાઈ જતા વરસાદ અટકી ગયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં માત્ર સામાન્ય છાંટા પડ્યા હતા, જ્યારે મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો ન હતો.

વરસાદ ન વરસતા શહેરમાં ફરીથી ઉકળાટ અને ભેજનું પ્રમાણ વધી ગયું છે. સતત ગરમી અને બફારાથી પરેશાન નગરજનો હવે મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ઉકળાટભર્યા વાતાવરણમાંથી ક્યારે રાહત મળશે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સારા વરસાદની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બીજી તરફ જિલ્લામાં અષાઢી બીજના દિવસે ધ્રોલ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. લતીપુર ખાતે ૧૯ મીમી અને લૈયારા ખાતે ૧૪ મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી અને હરીપર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાના અહેવાલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મારફતે પ્રાપ્ત થયા છે. જોકે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ યથાવત્ છે અને ખેડૂતો તેમજ નાગરિકોની નજર હવે આગામી દિવસોના હવામાન પર મંડાઈ રહી છે.

(12:16 PM IST)