<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો : લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ‘વાઇલ્ડ હેરિટેજ’ પ્રદર્શન બન્યા મુખ્ય આકર્ષણ

૨૩૦૦ વર્ષના ઇતિહાસને જીવંત કરતો સાંજે ૭ વાગ્યાનો શો અને કાર્ટૂન કેરેક્ટર્સ બાળકોમાં લોકપ્રિય : ગોલ્ફ કાર્ટ તથા ફૂડ કોર્ટ જેવી અધતન સુવિધાઓથી પ્રવાસીઓનો પ્રવાસ બન્યો યાદગાર

વીનું જોશી દ્વારા, જૂનાગઢ: દિવાળીના તહેવારો અને નૂતન વર્ષના વેકેશન દરમિયાન જૂનાગઢના પ્રાચીન અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી આવી રહેલા મુલાકાતીઓના ભારે ધસારાથી કિલ્લાના પરિસરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓને ઇતિહાસની સાથે આધુનિક મનોરંજન અને સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ વર્ષે કિલ્લામાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

૨૩૦૦ વર્ષના ઇતિહાસની પ્રતીતિ કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો:
આ દિવાળી વેકેશનનું સૌથી મોટું અને આકર્ષક પાસું દરરોજ સાંજે ૭ વાગ્યે યોજાતો ખાસ લાઇટ એન્ડ સાઉન્ડ શો છે. આ શોના માધ્યમથી પ્રવાસીઓને ૨૩૦૦ વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસની પ્રત્યક્ષ સફરનો અનુભવ થઈ રહ્યો છે. સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય તેમજ રા' નવઘણના શાસનકાળ ઉપરાંત ઉપરકોટ કિલ્લા પર થયેલી બાર વર્ષ લાંબી ઘેરાબંધીની રોમાંચક ગાથાઓને ટેક્નોલોજી, કલા અને પ્રકાશના અદભુત સમન્વયથી રજૂ કરવામાં આવી છે. શો નિહાળ્યા બાદ પ્રવાસીઓ માત્ર ઇતિહાસ સાંભળવાને બદલે તેને પોતાની નજર સમક્ષ જીવંત નિહાળ્યાની દિવ્ય અનુભૂતિ કરી રહ્યા છે.

બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ અને સુવિધાઓનો વ્યાપ:
પ્રવાસીઓની સુવિધા અને આનંદમાં અભિવૃદ્ધિ કરવા કિલ્લા પરિસરમાં નવી ગોલ્ફ કાર્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનાથી વૃદ્ધો અને બાળકોને કિલ્લો ફરવામાં સરળતા રહે છે. આ ઉપરાંત મોટુ-પતલુ, ચાર્લી ચેપ્લિન, પોલર બેર અને ગોરિલા જેવા લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ બાળકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યા છે. આ પાત્રો સાથે તસવીરો પડાવવા અને મસ્તી કરવામાં બાળકો તથા પરિવારજનો ખૂબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. સાથે જ ફૂડ કોર્ટની વ્યવસ્થા અને નિષ્ણાત ગાઇડ સર્વિસ દ્વારા પ્રવાસીઓને ઉત્તમ આતિથ્ય પૂરું પાડવામાં આવી રહ્યું છે.

‘વાઇલ્ડ હેરિટેજ’ ફોટોગ્રાફી પ્રદર્શન અને વિશેષ સન્માન:
દિવાળી વેકેશન નિમિત્તે તા. ૭ થી ૧૫ નવેમ્બર દરમિયાન ઉપરકોટ કિલ્લામાં ‘વાઇલ્ડ હેરિટેજ’ નામનું વિશેષ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વન્યજીવો, પક્ષીઓ અને પ્રકૃતિના અદભુત દૃશ્યોને તસવીરો દ્વારા સુંદર રીતે દર્શાવાયા છે, જેને ઇતિહાસ પ્રેમીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના હેડ – ટૂરિઝમ ડેસ્ટિનેશન્સ રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની બદલાતી અપેક્ષાઓ મુજબ આધુનિક સુવિધાઓ અને યાદગાર અનુભવો પૂરા પાડવાનો અમારો હમેશાં પ્રયાસ રહ્યો છે, અને પ્રવાસીઓનો આ ઉત્સાહ જ અમારી સાચી પ્રેરણા છે. ઐતિહાસિક વારસો, પ્રકૃતિ અને મનોરંજનનો આ સંગમ આ વેકેશનમાં જૂનાગઢને પ્રવાસનનું સર્વોત્તમ કેન્દ્ર બનાવી રહ્યો છે.

(5:27 PM IST)