<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

જસદણના પાંચવડા ગામે નદી કાંઠેથી એક બંધ સુટકેસ અંદરથી માનવ કંકાલ મળતા સમગ્ર પંથકમાં સનસનાટી

અત્યંત કોહવાઈ ગયેલી આ લાશને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી: મામલો હત્યાનો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. જસદણ તાલુકાના પાંચવડા ગામની સીમમાં આવેલા નદી કાંઠેથી એક અજાણી વ્યક્તિની લાશ બંધ સુટકેસની અંદરથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. લાશ લાંબા સમયથી બંધ હોવાને કારણે અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં અને માનવ કંકાલમાં ફેરવાઈ ગઈ હતી, જેને જોઈને સ્થાનિકો પણ સ્બ્ધ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરની તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ હતી. ઘટના સ્થળે એલસીબી એસઓજી, તેમજ આટકોટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા FSLની ટીમની મદદ લઈને વૈજ્ઞાનિક ઢંગે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક દ્રષ્ટીએ આ હત્યા કરીને લાશને સગેવગે કરવાના ઈરાદે સુટકેસમાં પૂરીને ફેંકી દેવામાં આવી હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક કોણ છે, તેની ઓળખ શું છે અને આ ભયાનક અપરાધ પાછળ કયા ઇસમોનો હાથ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારના મિસ્સીંગ પર્સનના ડેટા મેળવવાની સાથે ટેક્નિકલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી રહી છે, જેથી આ રહસ્યમય ગુનાનો ઝડપથી પર્દાફાશ કરી શકાય.

(12:29 AM IST)