<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સમાજ, ગુરુ, બ્રાહ્મણોની સેવા કરે તેના પર શ્રી રામની કૃપા આપોઆપ વરસેઃ ડો.મહાદેવપ્રસાદ મહેતા

શ્રી ખાખી મઢી રામજી મંદિર આશ્રમ, મેંદરડા દ્વારા મહામંડલેશ્વર સુખરામદાસ બાપુના સાનિધ્‍યમાં અયોધ્‍યામાં આયોજીત શ્રીરામકથાનો વિરામ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪: અયોધ્‍યામાં ભવ્‍ય શ્રી રામ મંદિર નિર્માણ બાદ સમગ્ર દેશમાં રામમય માહોલ છે. આ જ ભાવને આગળ વધારતા શ્રી ખાખીમઢી રામજી મંદિર આશ્રમ મેંદરડા દ્વારા મહામંડલેશ્વર સુખરામદાસ બાપુના સાનિધ્‍યમાં અયોધ્‍યામાં આયોજીત શ્રી રામકથાએ કાલે વિરામ લીધો છે. શ્રી રામ જન્‍મભૂમિ અયોધ્‍યાને આંગણે શ્રી રામકથા થીમ સાથે શ્રીરામ કથાનુ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કથાનો મુખ્‍ય હેતુ શ્રી ખાખીમઢી રામજી મંદિર આશ્રમ આશ્રમના વિકાસ માટે ભંડોળ એકત્ર કરવાનો અને ભક્‍તોને ભગવાન શ્રી રામના જીવનચરિત્રથી પ્રેરણા આપવાનો હતો.

આ દિવ્‍ય કથાનું રસપાન કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતા વિદ્યા વાચસ્‍પતિના શ્રીમુખે કરાવવામાં આવ્‍યુ હતું. તેઓએ પોતાની સરળ અને પ્રેરણાદાયી શૈલીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની દિવ્‍ય ગાથા પ્રસ્‍તુત કરી હતી.કથાનું જીવંત પ્રસારણ કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતાની યુટયુબ ચેનલ ઉપર કરવામા આવ્‍યુ હતું.

કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્‍યું હતું કે, જેના હૃદયમાં ગુરુના ચરણો પ્રત્‍યે અતૂટ પ્રીતિ છે અને જે નીતિ-ધર્મના માર્ગે ચાલવામાં તત્‍પર રહે છે, જે બ્રાહ્મણો, સંતો અને ગુરુજનોની સેવા કરે છે, તે જ વ્‍યક્‍તિ ખરા અર્થમાં ભગવાનની ભક્‍તિ અને જ્ઞાનનો અધિકારી છે. અને જેને પ્રાણથી પણ પ્રિય એવા શ્રી રઘુનાથજી એટલે કે ભગવાન શ્રી રામ પ્‍યારા છે, તે ભક્‍ત માટે આ ઉપદેશ ખાસ કરીને સુખ, શાંતિ અને કલ્‍યાણ આપનારો છે.

કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્‍યું હતું કે, આજના સમયમાં માણસ પૂજા-પાઠ તો કરે છે પરંતુ નીતિ અને સેવા ભૂલી જાય છે.

તુલસીદાસજી સ્‍પષ્ટ કહે છે કે પહેલા ગુરુની આજ્ઞા, પછી નીતિ, પછી સેવા અને ત્‍યારબાદ જ ભક્‍તિ સફળ થાય છે. જે વ્‍યક્‍તિ સમાજની, ગુરુની અને બ્રાહ્મણોની સેવા કરે છે તેના પર ભગવાન શ્રી રામની કળપા આપોઆપ વરસે છે.

(1:17 PM IST)