<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

શ્રી રામ ભગવાને રાજ્‍ય નહીં, ધર્મ પસંદ કર્યો'તોઃ ડો. મહાદેવપ્રસાદ મહેતા

જુનાગઢ જિલ્‍લાના મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુ દ્વારા અયોધ્‍યાની પવિત્ર ધરા પર આયોજીત શ્રી રામ કથાનો છઠ્ઠો દિવસઃ વનવાસ અને રાજ્‍યાભિષેકના પ્રસંગો દ્વારા ‘ધર્મ અને ત્‍યાગ'નો સંદેશ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૧: અયોધ્‍યાની પવિત્ર ધરા પર જુનાગઢ જિલ્‍લાના મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના  મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુ દ્વારા કથાકાર-વિદ્યા-વાચસ્‍પતિ ડો. મહાદેવપ્રસાદ મહેતાના વ્‍યાસાસને આયોજીત

શ્રી રામકથાનો કાલે છઠ્ઠો દિવસ હતો. કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્‍યું હતું કે વનવાસનો પ્રસંગ માનવજીવનને સૌથી મોટો સંદેશ આપે છે. અયોધ્‍યામાં જ્‍યારે રામના રાજ્‍યાભિષેકની તૈયારીઓ થઈ રહી હતી, ત્‍યારે રાણી કૈકેયીએ મંથરાના કહેવાથી રાજા દશરથ પાસેથી ૨ વરદાન માંગ્‍યા - ભરત માટે રાજ્‍ય અને રામ માટે ૧૪ વર્ષનો વનવાસ. પિતાના વચનને સત્‍ય કરવા માટે રામે એક ક્ષણમાં રાજમહેલ, સિહાસન અને રાજવષનો ત્‍યાગ કર્યો. સીતા માતા અને લક્ષ્મણે પણ સ્‍વેચ્‍છાએ તેમનો સાથ આપ્‍યો હતો.

કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્‍યું હતું કે, શ્રીરામ ભગવાને રાજ્‍ય નહીં, પણ પિતાની આજ્ઞા અને ધર્મ પસંદ કર્યો. એ જ સાચા રાજાનો ધર્મ છે.વનવાસ દરમિયાન રામે ઋષિઓની રક્ષા કરી, શબરીના એંઠા બોર પ્રેમથી ખાધા અને સમાજમાં સમાનતાનો સંદેશ આપ્‍યો છે.

૧૪ વર્ષના વનવાસ અને રાવણ પર વિજય બાદ જ્‍યારે રામ અયોધ્‍યા પાછા ફર્યા, ત્‍યારે આખા નગરને દીવડાઓથી શણગારવામાં આવ્‍યું. આ જ દિવસને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ.સરયૂ નદીના કિનારે ગુરુ વસિષ્ઠના હાથે ભગવાન શ્રી રામનો ભવ્‍ય રાજ્‍યાભિષેક થયો હતો. ડો. મહાદેવપ્રસાદ મહેતાએ રામરાજ્‍યની વ્‍યાખ્‍યા આપતા કહ્યું કે એવું રાજ્‍ય હતું જ્‍યાં ના કોઈ દુઃખી હતું, ના કોઈ ભૂખ્‍યું હતું. ન્‍યાય, સમાનતા અને પ્રજાવત્‍સલતા એ જ રામરાજ્‍યનો પાયો હતો.

કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્‍યું હતું કે આજના યુગમાં પણ જો આપણે શ્રીરામ ભગવાનના આદર્શો,ત્‍યાગ, સેવા, સત્‍ય અને પ્રેમને અપનાવીએ તો આપણું જીવન પણ રામરાજ્‍ય બની શકે છે. વનવાસ એ જીવનની કસોટી છે અને ધર્મ પર અડગ રહેવાથી જ સાચું રાજ્‍ય પ્રાપ્ત થાય છે.

હજારો ભક્‍તોએ લાઈવ કથા સાંભળી અને જય શ્રીરામના નારા સાથે કથાએ વિરામ લીધો હતો શ્રીરામ કથા નું ડો. મહાદેવ પ્રસાદ મહેતાની યુટ્‍યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે જેનો પણ મોટી સંખ્‍યામાં ભાવિકો ઘરે બેઠા લાભ લઈ રહયા છે.

(9:54 AM IST)