<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મોરબી-રાજકોટ હાઇવેના ખાડાના કારણે અકસ્માતમાં મોત થશે તો સરકાર અને તંત્ર સામે માનવવધનો ગુનો નોંધીશું - મહેશ રાજકોટિયા

૧૦ વર્ષથી અધૂરા ફોરલેન કામ અને લજાઈ-વીરપર વચ્ચેના જીવલેણ રસ્તા મુદ્દે ખેડૂત નેતાનો આક્રોશ: ૭ દિવસમાં રી-સરફેસિંગ ન થાય તો કાનૂની કાર્યવાહીની ચીમકી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવેની અત્યંત ભંગાર હાલત અને ઠેરઠેર પડેલા મોટા ખાડાઓના કારણે સતત સર્જાતા જીવલેણ અકસ્માતો મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ગુજરાતના ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ સરકાર અને વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ ભંગાર રોડના ખાડાના કારણે કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે, તો જવાબદાર અધિકારીઓ અને સરકાર સામે માનવવધ (Culpable Homicide) નો ગુનો દાખલ કરાવવામાં આવશે.

 

મહેશ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં સરકારે આ સ્ટેટ હાઇવેને ફોરલેન બનાવવાની જાહેરાત કરી કામ શરૂ કર્યું હતું. પરંતુ ૧૦ વર્ષનો સમય વીતી ગયા છતાં ૧૦૦ ટકા કામ પૂર્ણ થયું નથી. ખાસ કરીને લજાઈથી વીરપર વચ્ચેનો ૩ કિલોમીટરનો રસ્તો ભારે જોખમી બની ગયો છે, જ્યાં રોજ વાહનો સ્લિપ થાય છે અને અકસ્માતો સર્જાય છે. હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વેપારીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે કે ૭ દિવસની અંદર આ રોડનું રી-સરફેસિંગ શરૂ કરવામાં આવે, જોખમી સ્થળોએ પેચવર્ક કરાય અને બેદરકાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.

 

(10:43 PM IST)