<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

જો પરીક્ષામાં કોઈ ગોટાળો નથી થયો, તો પરીક્ષાર્થીઓને પોતાની ઉત્તરવહી બતાવવામાં સરકારને વાંધો શું છે ? પૂર્વ ધારાસભ્‍ય નૌશાદ સોલંકી

TAT-HSના આંદોલનકારી પરીક્ષાર્થીઓની ગાંધીનગર ખાતે મુલાકાત લઈ ન્‍યાય માટેના સંઘર્ષમાં સંપૂર્ણ સહકારની ખાતરી, ઉત્તરવહીની નકલ, બંને પેપરના અલગ-અલગ ગુણ, મૂલ્‍યાંકનના માપદંડો જાહેર કરવા અને નિષ્‍પક્ષ પુનઃમૂલ્‍યાંકનની માંગ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૬: રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS)ની મુખ્‍ય પરીક્ષાના પરિણામમાં ગેરરીતિ અને મૂલ્‍યાંકનમાં ગંભીર ક્ષતિઓ થઈ હોવાના આક્ષેપ સાથે રાજ્‍યભરના પરીક્ષાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે.

આજરોજ ગાંધીનગર ખાતે DSP કચેરીએ પૂર્વ ધારાસભ્‍ય અને સુરેન્‍દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકીએ આંદોલનકારી પરીક્ષાર્થીઓની મુલાકાત લઈ તેમની વ્‍યથા સાંભળી હતી અને ન્‍યાય માટેના તેમના સંઘર્ષમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી, નૌશાદ સોલંકીએ જણાવ્‍યું હતું કે, તા. ૮ ઓગસ્‍ટ, ૨૦૨૬ના રોજ લેવાયેલી TAT-HSની મુખ્‍ય પરીક્ષામાં ૪૭ હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૩૦ હજારથી વધુ ઉમેદવારોને નાપાસ જાહેર કરવામાં આવ્‍યા છે, અનેક ઉચ્‍ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પણ ઉત્તરવહીના મૂલ્‍યાંકન સામે ગંભીર સવાલો ઉઠાવ્‍યા છે, પરીક્ષાર્થીઓની માંગણી અત્‍યંત સામાન્‍ય, વાજબી અને ન્‍યાયસંગત છે, તેઓ સરકાર પાસે પરીક્ષા આપ્‍યા વિના પાસ કરવાની કે નોકરી આપવાની માંગ નથી કરી રહ્યા, તેઓ માત્ર પોતાની મહેનતથી લખેલી ઉત્તરવહી જોવા અને તેનું યોગ્‍ય મૂલ્‍યાંકન થયું છે કે કેમ તે ચકાસવાની તક માંગી રહ્યા છે, જો રાજ્‍ય પરીક્ષા બોર્ડને પોતાની મૂલ્‍યાંકન પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્‍પક્ષતા ઉપર એટલો જ વિશ્વાસ છે, તો પરીક્ષાર્થીઓને પોતાની ઉત્તરવહી બતાવવામાં ખચકાટ શા માટે, સરકાર આખરે શું છુપાવવા માંગે છે, રાજ્‍યમાં ભવિષ્‍યની પેઢીને શિક્ષિત કરવાની જવાબદારી સંભાળવા માગતા યુવાનોને આજે પોતાના જ હક્ક અને ન્‍યાય માટે રસ્‍તા ઉપર ઊતરવું પડે, તે ગુજરાતની શિક્ષણ વ્‍યવસ્‍થા માટે અત્‍યંત ચિંતાજનક બાબત છે, રાજ્‍ય સરકાર તાત્‍કાલિક તમામ પરીક્ષાર્થીઓને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્‍ધ કરાવે, બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરે, મૂલ્‍યાંકનના માપદંડો જાહેર કરે અને નિષ્‍પક્ષ પુનઃમૂલ્‍યાંકનની વ્‍યવસ્‍થા કરે તેવી નૌશાદ સોલંકીએ માંગ કરી છે, આ સમગ્ર પ્રશ્ન માત્ર પરીક્ષાના ગુણ કે પરિણામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ હજારો શિક્ષિત યુવાનોના ભવિષ્‍ય અને રાજ્‍યની સમગ્ર પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા સાથે સંકળાયેલો છે, ગુજરાતના યુવાનોને સરકારની મહેરબાની નહીં, પરંતુ પોતાની મહેનતનું સાચું મૂલ્‍યાંકન અને ન્‍યાય જોઈએ છે, આ ન્‍યાય માટેના તેમના સંઘર્ષમાં અમે તેમની સાથે છીએ, તેમ નૌશાદ સોલંકીએ જણાવ્‍યું હતું.

(1:48 PM IST)