તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ઉપલેટાના ખારચીયામાં ગળાફાંસાથી ઇલાબેન બગડાનું મોતઃ પતિએ મારકુટનો આક્ષેપ કર્યો
હોમગાર્ડ પતિનો ત્રાસ હોવાનો મૃતકના ભાઇ રાજેશ હેડંબાએ આક્ષેપ કરતાં ભાયાવદર પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો : ઇલાબેન બે ભાઇના એકના એક બહેન હતાં: બે માસુમ સંતાન મા વિહોણા થતાં અરેરાટી

રાજકોટ તા. ૨૪: ઉપલેટાના ખારચીયા (શહિદ) ગામે એક પરિણીતાનું ગળાફાંસાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકના ભાઇએ આ બનાવ બાબતે પોલીસ સમક્ષ શંકા દાખવતાં અને પોતાની બહેનને હોમગાર્ડ પતિનો ત્રાસ હોવાની તેમજ તેણીને મારકુટ થયાનો આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.
જાણવા મળ્યા મુજબ ખારચીયા ગામે રહેતાં ઇલાબેન હિતેન્દ્રભાઇ ઉર્ફ રામભાઇ બગડા (ઉ.વ.૩૨) નામના મહિલાએ ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. બાદમાં બેભાન હાલતમાં ઇલાબેનને ભાયાવદર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. મૃત્યુ પામનાર ઇલાબેનના લગ્ન ચોૈદ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેણીના માવતર ધોરાજીના મોટી વાવડી ગામે રહે છે. પિતાનું નામ માવજીભાઇ હમીરભાઇ હેડંબા છે. પોતે ઇલાબેન બે ભાઇના એકના એક મોટા બહેન હતાં.
ઇલાબેનના ભાઇ રાજેશભાઇ હેડંબાએ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જણાવ્યું હતું કે મારા બહેનને લાંબા સમયથી સાસરીયામાં ત્રાસ હતો. મારા બનેવી હિતેન્દ્રભાઇ ઉર્ફે રામભાઇ લાખાભાઇ બગડા ખેતી કરવાની સાથે હોમગાર્ડમાં પણ ફરજ બજાવે છે. ગઇકાલે બપોરે ઘટના બની હોવા છતાં મને બનેવીના ભાઇએ છેક સાંજે ચારેક વાગ્યે ફોન કરીને તમારા બહેન સીરીયસ છે તેવી વાત કરતાં હું ભાયાવદર હોસ્પિટલે પહોંચ્યો હતો. ત્યારે બહેન મૃત જોવા મળ્યા હતાં. તેના મોઢા પર આંખ પાસે ઇજા જેવા નિશાન જોવા મળતાં મારકુટ થયાની શંકા ઉપજતાં મેં ભાયાવદર પોલીસને રજૂઆત કરી હતી અને બહેનના મૃતદેહનું રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માંગણી કરી હતી. ઘટના બાદ મારા બનેવી અને તેના પિતા સહિતના પોલીસમાં સામેથી હાજર થઇ ગયાનું અમને કહેવાયું હતું.
ઇલાબેન બગડાએ ત્રાસથી કે અન્ય કારણે કંટાળીને આપઘાત કર્યો કે બીજુ કંઇ બન્યું? તેની તપાસ ભાયાવદર પોલીસે હાથ ધરી છે. બનાવથી બે માસુમ સંતાન મા વિહોણા થઇ ગયા છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
