તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
મુળીમાં ગેરકાયદે ખનીજ ખનન પર દરોડા : નાળધ્રી ગામમાં કરોડોનો મુદ્દામાલ જપ્ત : 3 લોકોની ધરપકડ
ખનન માફિયાઓ કોઈપણ પ્રકારના પાસ-પરમિટ વગર અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી લાંબા સમયથી આ ખેલ ખેલતા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી પર પોલીસે આખરે લાલ આંખ કરી છે. મુળી તાલુકાના નાળધ્રી ગામની સીમમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક દરોડામાં સફેદ માટીનું ગેરકાયદે ખનન પકડાયું છે. સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ખનીજ વિભાગને પણ અંધારામાં રાખવામાં આવ્યું હતું.
ગેરકાયદે ખનીજ ખનન પર પોલીસના દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી કરોડો રૂપિયાની કિંમતનું ખનીજ અને ખનન માટે વપરાતી મશીનરી મળી આવી છે, જેને પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. મુળી પોલીસની આ સફળ કામગીરીમાં ગેરકાયદે ખનન કરતા 3 શખ્સોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ખનન માફિયાઓ કોઈપણ પ્રકારના પાસ-પરમિટ વગર અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી લાંબા સમયથી આ ખેલ ખેલતા હતા.
પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ પોલીસ સ્ટેશને ખસેડવામાં આવ્યો છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
