<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ઈબોલા વાયરસ સામે સાવચેતીના પગલે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મહત્વની બેઠક યોજાઈ

વાયરસના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે ખાસ વોર્ડ અને તબીબી સુવિધાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી

જામનગર :આફ્રિકામાં ઉદભવેલા ઘાતક ઈબોલા વાયરસ સામે સાવચેતીના પગલે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર અને આરોગ્ય મંત્રીની સૂચનાને પગલે તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મેડિસિન વિભાગના વડા, હોસ્પિટલ અધિક્ષક, સીડીએચઓ અને આરોગ્ય વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાયરસના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે ખાસ વોર્ડ અને તબીબી સુવિધાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો.વિજય પોપટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હજુ સુધી ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, તેથી ગભરાવાની જરૂર નથી. ઈબોલા વાયરસ હવા દ્વારા ફેલાતો ન હોવાથી તેનું સંક્રમણ ઝડપથી ફેલાતું નથી. જો કે, સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવા અને ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફને ખાસ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાવ, સ્નાયુઓનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ પર દેખરેખ રાખવામાં આવશે.

તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ કટોકટીની સ્થિતિમાં જામનગર અને આસપાસના વિસ્તારના નાગરિકોને ત્વરિત અને અસરકારક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આરોગ્ય વિભાગ અત્યારે સંપૂર્ણ સતર્ક છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

(8:21 PM IST)