<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

જામનગર કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: ફેસબુક પર બદનક્ષીજનક પોસ્ટ કરવા બદલ આરોપીને સમન્સ : IPC કલમ 500 હેઠળ પોલીસની કાર્યવાહી શરૂ

સોશિયલ મીડિયા પર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી ટિપ્પણીના કેસમાં CJM કોર્ટે પ્રાથમિક પુરાવાના આધારે સમન્સ ઇસ્યુ કર્યો : ફરિયાદી હસમુખભાઈ રાઠોડે ખાનગી ફરિયાદ દાખલ કરી'તી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭  : સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે જામનગરની અદાલતે કડક વલણ અપનાવ્યું છે. ફેસબુક પર એક વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી અપમાનજનક પોસ્ટ કરવા બદલ કોર્ટે આરોપી સામે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં ફરિયાદી હસમુખભાઈ છગનભાઈ રાઠોડે જામનગરના રહીશ અભયભાઈ પ્રીતમભાઈ ધોળકિયા સામે ખાનગી ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપી અભયભાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ફરિયાદીની પ્રતિષ્ઠાને બદનામ કરે તેવી પોસ્ટ અને ટિપ્પણીઓ કરી હતી. પોસ્ટમાં ફરિયાદીને સમાજવિરોધી તત્વો સાથે સાંકળવામાં આવ્યા હતા અને લોકોને તેમનાથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું. જેના કારણે ફરિયાદીની સામાજિક પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

ફરિયાદના આધારે અદાલતે પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે તપાસ કરીને પોતાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો. 

જામનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ CJM કોર્ટે તપાસ અહેવાલ અને ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવાનું અવલોકન કર્યા બાદ પ્રાથમિક દૃષ્ટિએ ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ બદનક્ષીનો ગુનો બનતો હોવાનું માન્યું હતું.

આ સાથે કોર્ટે આરોપી અભયભાઈ પ્રીતમભાઈ ધોળકિયા સામે હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરવાનો આદેશ આપ્યો છે.

આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ સંજય એસ. દાઉદીયા અને ભાવિકાબેન પી. જોશી હાજર રહ્યા હતા.

કાનૂની નિષ્ણાતોના મતે સોશિયલ મીડિયા પર કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી પોસ્ટ કરવી એ ગુનો છે. આ ચુકાદો સોશિયલ મીડિયા યુઝર્સ માટે પણ એક ચેતવણીરૂપ છે.

(1:57 PM IST)