<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

પોરબંદરના મોઢવાડામાં ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે મહેર સમાજ ભવનનું લોકાર્પણ

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં આજે બપોરે લોકાપર્ણ સમારંભઃ મુખ્‍ય અતિથિ વિશેષપદે ડો.મનસુખભાઇ માંડવીયા અને અર્જુનભાઇ મોઢવાડીયા ઉપસ્‍થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૮: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ તાલુકાના મોઢવાડામાં જઇને મહેર સમાજ દ્વારા નવ નિર્મિત અદ્યતન લીરબાઇમાં સમાજન ભવનનું આજે બપોરે ર વાગ્‍યે લોકાપર્ણ કરશે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાઇ રહેલા મહેર સમાજ ભવનના લોકાપર્ણ સમારંભમાં મુખ્‍ય અતિથિ વિશેષપદે  પોરબંદરના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા તથા રાજય વન પર્યાવરણ વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા ઉપસ્‍થિત રહેશે. આ મહેર સમાજ ભવનના લોકાપર્ણ સમારંભમાં જિલ્લાના અન્‍ય અગ્રણીઓ અને મહાનુભાવો હાજર રહેશે.

મોઢવાડા ખાતે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના કાર્યક્રમને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ  ગઇકાલે કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લઈ પૂર્વતૈયારીઓનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાર્યક્રમના સમગ્ર આયોજનની વિસ્‍તળત સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિવિધ વ્‍યવસ્‍થાઓની પ્રગતિ અંગે વિગતો મેળવી હતી.

મંત્રીશ્રી અર્જુનભાઇએ કાર્યક્રમ સ્‍થળે સ્‍ટેજ નિર્માણ, મહાનુભાવો માટેની બેઠક વ્‍યવસ્‍થા, ગ્રીન રૂમ, ર્પાકિંગ, ટ્રાફિક નિયમન, સુરક્ષા વ્‍યવસ્‍થા, પ્રોટોકોલ સહિતની વિવિધ તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેનારા નાગરિકોની સુવિધા, પીવાના પાણી, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે કરવામાં આવેલી વ્‍યવસ્‍થાઓની પણ સમીક્ષા કરી હતી.

 કાર્યક્રમ સ્‍થળની એક દિવસ પહેલા અર્જુનભાઇની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા શ્રી બી. યુ. જાડેજા, અગ્રણીશ્રી રામદેભાઈ મોઢવાડિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્‍થાનિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના આગમનને અનુલક્ષીને પોરબંદરમાં સ્‍વચ્‍છતા અને સફાઈ વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત સેનિટેશન સમિતિના ચેરમેન વનરાજભાઈ કેશવાલા તથા સેનિટેશન ઓફિસર જગદીશભાઈ આર. ઢાંકી દ્વારા મુખ્‍યમંત્રીશ્રીના નિર્ધારિત રૂટમાં આવતા વિવિધ વિસ્‍તારોની મુલાકાત લઈ સફાઈની કામગીરીનું સ્‍થળ નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

આ સફાઇ કામગીરી દરમિયાન વિલા સર્કિટ, વસનજી ખેરાજ સ્‍કૂલ, એરપોર્ટ હાઈવે, નરસંગ ટેકરી મેઈન રોડ, એમ.જી. રોડ સહિત મુખ્‍યમંત્રીશ્રીના રૂટમાં આવતા તમામ મહત્ત્વના સ્‍થળોની મુલાકાત લેવામાં આવી હતી. વિવિધ માર્ગો પર રસ્‍તાની સફાઈ, રોડની બંને બાજુની સ્‍વચ્‍છતા, કચરાના નિકાલ, જાહેર સ્‍થળોની સફાઈ તેમજ આસપાસના વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા જળવાઈ રહે તે અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના આગમન સમયે શહેરની સ્‍વચ્‍છતા અને સુંદરતાનું ઉત્તમ ચિત્ર ઉપસી આવે તે માટે સફાઈ કર્મચારીઓ દ્વારા સમયસર અને સુવ્‍યવસ્‍થિત કામગીરી કરવામાં આવે તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈના આગમનને અનુલક્ષીને શહેરની સ્‍વચ્‍છતા, સુંદરતા અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે

 

(1:31 PM IST)