News of Saturday, 28th November 2026
નેપાળમા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્મિત નીલકંઠ વર્ણી આશ્રમનું લોકાર્પણ : નેપાળના નાણામંત્રીની ઉપસ્થિતિ
જે સ્થળે ભગવાન સ્વામિનારાયણે અષ્ટાંગ યોગની વિદ્યા પ્રાપ્ત કરી હતી ત્યાં જ ધામનું નિર્માણ : મુક્તિનાથ, જોમસોમ, મોદીબેની, મહાશિલા અને ગોમતી ઘાટ સહિતનાં તીર્થસ્થળોએ સ્વામિનારાયણ ધર્મશાળાઓનું નિર્માણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : નેપાળ મધ્યે હિમાલયની તળેટીમા આવેલા પ્રસિદ્ધ મુક્તિનાથ ધામના માર્ગે મોદીબેની ખાતે બેની અને મોદી નદીના પવિત્ર સંગમ તટે આવેલા પ્રાચીન ભગવાન નરસિંહક્ષેત્ર અને ગોપાલયોગી આશ્રમમાં શ્રી નીલકંઠ વર્ણી તથા યોગીરાજ ગોપાલયોગીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શ્રી નીલકંઠ વર્ણી આશ્રમનું ભવ્ય લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગે નેપાળના નાણામંત્રી જીત બહાદુર શેરચંદ સહિત ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, હરિભક્તો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માન્યતા અનુસાર, આશરે ત્રણસો વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે આ આશ્રમમાં પધાર્યા હતા અને અષ્ટાંગ યોગસિદ્ધ ગોપાલયોગી પાસેથી એક વર્ષ સુધી અષ્ટાંગ યોગની વિદ્યા પ્રાપ્ત કરી હતી. આ ઐતિહાસિક સ્થાનને ધામ સ્વરૂપે વિકસાવવામાં પરમ પૂજ્ય શ્રીજીપ્રસાદ સ્વામીજી અને નરનારાયણપ્રસાદ સ્વામીજીનું વિશેષ યોગદાન રહ્યું છે. બંને સંતો છેલ્લા ત્રીસ વર્ષથી નેપાળમાં રહી સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેમણે મોદીબેની, જોમસોમ, મુક્તિનાથ, મહાશિલા અને ગોમતી ઘાટ સહિતનાં અનેક તીર્થસ્થળોએ સ્વામિનારાયણ ધર્મશાળાઓનું નિર્માણ કરાવી યાત્રિકો માટે રહેવા તથા ભોજનની સુવિધા ઊભી કરી છે.
ભુજ મંદિરના મહંત સદ્ગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞા અને આશીર્વાદથી પાર્ષદવર્ય શાસ્ત્રી માવજી ભગતજી, શાસ્ત્રી સ્વામી ગોવિંદપ્રસાદદાસજી, પુરાણી સ્વામી ઈશ્વરસ્વરૂપદાસજી, પુરાણી સ્વામી સરજુદાસજી, પુરાણી સ્વામી હરિમુકુંદાસજી, પુરાણી સ્વામી પરમેશ્વરસ્વરૂપદાસજી, ડો. સ્વામી સત્યપ્રસાદદાસજી, પુરાણી સ્વામી રામકૃષ્ણદાસજી, સ્વામી સુખનંદનદાસજી, સ્વામી વિશ્વસ્વરૂપદાસજી, સ્વામી ભગવાનદાસજી, સ્વામી પ્રેમસ્વરૂપદાસજી અને સ્વામી ધ્યાનેશ્વરદાસજી સહિતના સંતો મહોત્સવમાં જોડાયા હતા. આ ઉપરાંત ભુજ અને માનકુવા મંદિરની સાંખ્યયોગી બહેનો તથા માનકુવા શ્રી નરનારાયણ દેવ યુવતી મંડળની યુવતીઓ પણ ઉપસ્થિત રહી હતી.
મહોત્સવના પ્રારંભે સવારે મહાપૂજા યોજાઈ હતી. ત્યારબાદ મોદીબેની શહેરમાં ભવ્ય નગરયાત્રા નીકળી હતી. તેમાં માનકુવા શ્રી નરનારાયણ દેવ યુવતી મંડળની યુવતીઓની બેન્ડ પાર્ટી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંસ્કૃત પાઠશાળાના આશરે સાઠ વિદ્યાર્થીઓ, આચાર્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો નગરયાત્રામાં જોડાયા હતા.
નગરયાત્રા બાદ યોજાયેલી સભામાં નેપાળના નાણામંત્રી જીત બહાદુર શેરચંદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સભાના અધ્યક્ષસ્થાનેથી શ્રીજીપ્રસાદ સ્વામીએ નેપાળનાં પવિત્ર તીર્થસ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળાઓમાં રહેવા તથા ભોજન બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હોવાની વિગતો આપી હતી. નાણામંત્રી શેરચંદે ભારત અને નેપાળના સંબંધોને બે ભાઈઓ અને મિત્રો જેવા ગણાવતાં સંતો દ્વારા નેપાળમાં સત્સંગ અને સનાતન ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેને આનંદ અને ગૌરવની બાબત ગણાવી હતી. ડો. સ્વામી સત્યપ્રસાદદાસજીએ શ્રી નીલકંઠ વર્ણીની અષ્ટાંગ યોગવિદ્યા તેમજ ભારત અને નેપાળ વચ્ચેની સનાતન ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોની એકતા અંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ પ્રસંગે લંડનથી સુરેશભાઈ રાબડીયા, હરિભાઈ જાદવજી હાલાઈ, કપિલભાઈ રાબડીયા, ઉમંગભાઈ જેસાણી, સુખપુરના કાંતિભાઈ મેપાણી તથા મુંબઈથી નિતિનભાઈ ખુથીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
