તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
ભારતની પ્રખ્યાત 'મેલોડી' ચોકલેટ વાયા દિલ્લી થઈને આખરે જામનગર સુધી પહોંચી
‘મેલોડી’ ચોકલેટથી સરકાર સામે વ્યંગાત્મક વિરોધ દર્શાવતા ‘આપ’ના કાર્યકરો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે પ્રદર્શન બાદ પોલીસે કરી અટકાયત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. 21 : જામનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ‘આપ’ના કાર્યકરો શહેરમાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ વિરોધ કાર્યક્રમનું નેતૃત્વ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગ ઉઠાવી હતી.
આવેદનપત્ર પાઠવ્યા બાદ કાર્યકરો દ્વારા પ્રતિકાત્મક રીતે “મેલોડી” ચોકલેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. “મેલોડી એટલી ચોકલેટી કેમ છે?” જેવા પ્રચલિત સંદેશ સાથે સરકારની નીતિઓ સામે વ્યંગાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કાર્યકરોમાં “સીન બંગાળની જંગથી શરૂ થઈ, જાલમુડી બાદ ઇટાલી સુધી પહોંચેલી મેલોડી ચોકલેટ હવે જામનગર પણ પહોંચી” જેવી ટિપ્પણીઓ ચર્ચાનો વિષય બની હતી.
દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે થોડીવાર બાદ તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાનો સીધો બોજ સામાન્ય જનતા પર પડી રહ્યો છે. જો ભાવ ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
