<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોનો અદમ્ય ઉત્સાહ : લાકડીના ટેકે પહોંચ્યા મતદાન મથકે

શારીરિક મર્યાદાઓને બાજુએ મૂકી વૃદ્ધોએ બજાવી લોકશાહીની ફરજ : પોલીસ અને સુરક્ષા સ્ટાફની સરાહનીય મદદ

  જામનગર  : મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર :  જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે લોકશાહીના પર્વની અનોખી ઉજવણી જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનોની સાથોસાથ વરિષ્ઠ નાગરિકોમાં પણ મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જે લોકશાહીની મજબૂતીનો પુરાવો આપે છે.

  વૃદ્ધોમાં જાગૃતિના દ્રશ્યો 

શહેરના અનેક મતદાન મથકો પર 70 વર્ષથી વધુ વયના વડીલો પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા હતા. અનેક વરિષ્ઠ મતદારો લાકડીના ટેકે તો કોઈ પરિવારના સભ્યોના સહારે મથક સુધી પહોંચ્યા હતા. શારીરિક અશક્તિ કે વધતી ઉંમરની મર્યાદાઓ તેમને પોતાની નાગરિક ફરજ બજાવતા રોકી શકી નહોતી. મતદાન કર્યા બાદ આ વડીલોના ચહેરા પર લોકશાહીના પર્વમાં સહભાગી થયાનો અનેરો સંતોષ જોવા મળ્યો હતો.

  સુરક્ષાકર્મીઓએ નિભાવી માનવતા 

વરિષ્ઠ નાગરિકોને મતદાનમાં કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. મતદાન મથકો પર તૈનાત પોલીસકર્મીઓ અને સુરક્ષા સ્ટાફ દ્વારા માનવતાવાદી અભિગમ દાખવવામાં આવ્યો હતો. અશક્ત વડીલોને મતદાન મથકની અંદર સુધી લઈ જવામાં, વ્હીલચેરની સુવિધામાં મદદ કરવામાં અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં સુરક્ષાકર્મીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

જામનગરના આ પ્રેરણાદાયી દ્રશ્યોએ સાબિત કર્યું છે કે લોકશાહી પ્રત્યેની જવાબદારીની ભાવના વયના બંધનોથી પર છે. વરિષ્ઠ નાગરિકોની આ જાગૃતિ સમાજના અન્ય મતદારો માટે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.

(2:01 PM IST)