<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ટીબી મુક્ત કચ્છ માટે ઉદ્યોગજગત આવ્યું આગળ : ભચાઉમાં ઔદ્યોગિક એકમોની બેઠક યોજાઈ

પ્રાંત અધિકારી સહિત ઉદ્યોગ પ્રતિનિધિઓની પહેલ: ૧૬ ટીબી દર્દીઓને પોષણ સહાય આપવાની જાહેરાત, વધુ એકમોને ‘નિક્ષય મિત્ર’ બનવા અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ :  ભચાઉ પ્રાંત કચેરી ખાતે ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ભચાઉ તાલુકાના વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારી શ્રી અભિષેક પ્રમોદ તલેના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ટીબી દર્દીઓની સારવાર સાથે પોષણ સહાય અને જનજાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તાલુકા આરોગ્ય અધિકારી ડો. નારાયણસિંહે ટીબી દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવા તેમજ ઔદ્યોગિક એકમોને ‘નિક્ષય મિત્ર’ તરીકે જોડાવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રેરણારૂપ પહેલરૂપે પ્રાંત અધિકારીએ ૫ ટીબી દર્દીઓને ત્રણ મહિના માટે પોષણ કીટ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક ટીબી-એચઆઈવી કો-ઇન્ફેક્ટેડ દર્દીને પોષણ સહાય, જ્યારે સેન્ચ્યુરી પ્લાયવુડ દ્વારા ૧૦ ટીબી દર્દીઓને ત્રણ મહિના સુધી પોષણ કીટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અન્ય ઔદ્યોગિક એકમોને પણ ટીબી દર્દીઓ માટે પોષણ સહાયમાં જોડાવા અપીલ કરાઈ હતી.

બેઠકમાં ભચાઉ અને રાપર આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા સરકારી તંત્ર, ઔદ્યોગિક એકમો અને સામાજિક સંસ્થાઓની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી હતી.

(9:31 AM IST)